Election : છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓના સન્માનના નામે ઘણી નાણાકીય સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પહેલા આ મોડલ કેટલાક રાજ્યો સુધી મર્યાદિત હતું, પરંતુ હવે તે ભારતની નવી “મહિલા-કેન્દ્રિત રાજકીય અર્થવ્યવસ્થા”નો ભાગ બની ગયું છે. અનેક રાજ્યોએ તેને મહિલા સન્માન યોજના, લક્ષ્મી, લાડલી બહેના, મૈઇયા સન્માન કે મગરલિર ઉરીમાઇ જેવા નામો સાથે લાગુ કર્યું છે. આમાંની મોટાભાગની યોજનાઓ દર મહિને 1,000 થી 2,500 રુપિયા સુધીની રોકડ સહાય આપે છે.
આ યોજનાઓની શું અસર છે?
- મહિલાઓની આર્થિક સ્વતંત્રતા વધી રહી છે
- ઘરેલું નિર્ણય લેવામાં તેમની ભૂમિકા મજબૂત થઈ છે
- ચૂંટણીમાં તેમનો રાજકીય ઝુકાવ સ્પષ્ટ રીતે બદલાઈ રહ્યો છે.
કયા રાજ્યમાં કઈ યોજના?
| 1 | હરિયાણા | ₹2,100 | દીનદયાળ લાડો લક્ષ્મી યોજના | માસિક |
| 2 | મધ્ય પ્રદેશ | ₹1,250- ₹1,500 | મુખ્યમંત્રી લાડલી બહેના યોજના | માસિક |
| 3 | કર્ણાટક | ₹2,000 | ગૃહલક્ષ્મી યોજના | માસિક |
| 4 | મહારાષ્ટ્ર | ₹1,500 | મુખ્યમંત્રીની માઝી લડકી બહિન યોજના | માસિક |
| 5 | બંગાળ | ₹1,000- ₹1,200 | લક્ષ્મી ભંડાર યોજના | માસિક |
| 6 | તામિલનાડુ | ₹1,000 | કલાઈનાર મગરલિર ઉરીમાઇ થિટ્ટમ | માસિક |
| 7 | ઝારખંડ | ₹1,000 | મુખ્યમંત્રી મઇયા સન્માન યોજના | માસિક |
| 8 | ઓડિશા | ₹10,000 (2 હપ્તા) | સુભદ્રા યોજના | વાર્ષિક |
આ યોજનાઓ ચૂંટણી પર કેવી રીતે અસર કરે છે?
મહિલા વોટ બેંકનો ઝડપથી ઉદભવ: ભારતમાં મહિલા મતદારોની સંખ્યા અને ભાગીદારી બંને વધી રહ્યા છે. મધ્યપ્રદેશ, બંગાળ, કર્ણાટક અને મહારાષ્ટ્રે બતાવ્યું છે કે મહિલાઓ માટે સીધી રોકડ સહાય સાથેની યોજનાઓ મતદાનની રીત બદલી શકે છે.
‘સરકાર-ખાતા-મહિલા’ નો સીધો સંબંધ: ડીબીટી સીધા ખાતામાં આવે છે, જેના કારણે લાભાર્થીઓ દર મહિને સરકારને યાદ કરે છે. આ બાબત ભાવુક તથા વ્યવહારુ એમ બન્ને જોડાણો પેદા કરે છે.
ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા : ઘણા રાજ્યોમાં, મહિલાઓની મતની ટકાવારી પુરુષો કરતા વધી ગઈ છે. તેની અસર ગત મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની ચૂંટણીમાં જોવા મળી છે.
આ પણ વાંચો – દેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહેનાર 5 નેતા વિશે જાણો
રાજકીય સ્પર્ધા : હવે ચૂંટણી પહેલાં દરેક રાજ્ય કોઈને કોઈ સ્વરૂપમાં ‘મહિલા સન્માન પેકેજ’ની જાહેરાત કરે છે. તે 2026-2027 સુધીની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓમાં રહેશે.
સામાજિક અસર પણ મહત્વપૂર્ણ : આ યોજનાઓએ પરિવારમાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરી છે. ખર્ચ નિયંત્રણ વધ્યું છે. આ સાથે ડિજિટલ બેન્કિંગ અપનાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
રાજકીય પક્ષો મહિલા કલ્યાણના બહાને પોતાનો ફાયદો શોધી રહ્યા છે
મહિલા કેન્દ્રિત આર્થિક યોજનાઓ હવે માત્ર સમાજ કલ્યાણનો સ્ત્રોત જ નથી, પરંતુ ભારતના ચૂંટણી રાજકારણમાં રાજકીય પક્ષોનું સૌથી અસરકારક સાધન બની ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ નામોથી અલગ-અલગ સરકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજનાઓ માત્ર મહિલાઓને આર્થિક શક્તિ જ નથી આપતી, પરંતુ રાજકીય પક્ષોને સીધી સત્તામાં રહેવામાં પણ મદદ કરી રહી છે.





