Laszlo Krasznahorkai won Nobel Prize in Literature : હંગરીના લેખક લાજ્લો ક્રાજ્નાહોરકાઇને આ વર્ષે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ગુરુવારે આ જાહેરાત કરવામાં આવી હતી. 71 વર્ષીય લાજ્લો ક્રાજ્નાહોરકાઇના સન્માનમાં કહેવામાં આવ્યું કે તેમની સ્વપ્નદ્રષ્ટા રચનાકર્મ માટે પસંદગી કરવામાં આવી છે, જે કલાની તાકાતની પુષ્ટિ કરે છે. નોબેલ કમિટીના સ્ટીવ સેમ-સેન્ડબર્ગે જાહેરાત કરતા કહ્યું કે નોબેલ કમિટીએ તેમની કલાત્મક દ્રષ્ટિની પ્રશંસા કરી છે, જે પુરી રીતે ભ્રમથી મુક્ત છે અને જે કલાની શક્તિમાં તેમની અતૂટ માન્યતા સાથે સામાજિક વ્યવસ્થાને સમજે છે.
લાજ્લો ક્રાજ્નાહોરકાઇ એક મહાન મહાકાવ્ય લેખક – નોબલ કમિટી
નોબલ કમિટીએ કહ્યું કે લાજ્લો ક્રાજ્નાહોરકાઇ મધ્ય યુરોપિયન પરંપરાના એક મહાન મહાકાવ્યના લેખક છે. તેમના અન્ય પુસ્તકોમાં ‘બેરન વેંકહાઇન્સ હોમકમિંગ’ પણ પ્રખ્યાત છે, જે જુગારના વ્યસની કુલીન વર્ગની વિસ્તૃત ગાથા છે. ચીન અને જાપાનની તેમની યાત્રાથી પ્રેરિત થઈને તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે, જેમાં 2003 માં હંગેરિયન ભાષામાં પ્રકાશિત ‘વન માઉન્ટેન ટુ ધ નોર્થ, અ લેક ટુ ધ સાઉથ, પાથ્સ ટુ ધ ઇસ્ટ’છે.
લાજ્લો ક્રાજ્નાહોરકાઇ કોણ છે?
સેમ સેન્ડબર્ગે જણાવ્યું હતું કે લાજ્લો ક્રાજ્નાહોરકાઇ થોડા સમયથી નોબેલ પુરસ્કારની રેસમાં હતા અને તે એક પછી એક ઉત્કૃષ્ટ રચનાઓ લખે છે અને રચતા રહ્યા છે. લાજ્લો ક્રાજ્નાહોરકાઇ એ જાહેરાત સમયે કંઇ કહ્યું ન હતું. તેમનો જન્મ રોમાનિયાની સરહદ નજીક હંગરીના દક્ષિણપૂર્વીય શહેર ગ્યુલામાં થયો હતો. 1970 ના દાયકા દરમિયાન, તેમણે સેગેડ અને બુડાપેસ્ટ શહેરોની યુનિવર્સિટીઓમાં કાયદાનો અભ્યાસ કર્યા પછી સાહિત્યિક સર્જન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ પણ વાંચો – કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર માટે 3 વૈજ્ઞાનિકોના નામ જાહેર, આ સંશોધન માટે સમ્માનિત કરાયા
લાજ્લો ક્રાજ્નાહોરકાઇની વેબસાઇટના જીવનચરિત્ર અનુસાર તેમણે યુરોપ, એશિયા અને અમેરિકામાં વ્યાપક પ્રવાસ કર્યો છે અને ઘણા જુદા જુદા દેશોમાં રહ્યા છે. લાજ્લો ક્રાજ્નાહોરકાઇ હંગરીના સરમુખત્યારશાહી વડા પ્રધાન વિક્ટર ઓરબાનના ટીકાકાર રહ્યા છે અને ખાસ કરીને રશિયન આક્રમણ પછી યુક્રેનને સમર્થનના ના આપવાના વિરોધી રહ્યા છે. તેમણે આ વર્ષે યેલ રિવ્યુ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે જ્યારે રશિયા તેના પડોશી દેશ પર આક્રમણ કરે છે, ત્યારે કોઈ દેશ તટસ્થ કેવી રીતે રહી શકે છે? પરંતુ ફેસબુક પરની એક પોસ્ટમાં વિક્ટર ઓરબાને લાજ્લો ક્રાજ્નાહોરકાઇને અભિનંદન આપતા કહ્યું કે હંગરીનું ગૌરવ, ગ્યુલાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા લેખક, લાજ્લો ક્રાજ્નાહોરકાઇ. અભિનંદન!”
લાજ્લો ક્રાજ્નાહોરકાઇ ઘણા પુરસ્કારોથી સન્માનિત થઇ ચુક્યા છે
લાજ્લો ક્રાજ્નાહોરકાઇને 2015 મેન બુકર ઇન્ટરનેશનલ એવોર્ડ સહિત ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. બુકરના ન્યાયાધીશોએ તેના અપવાદરૂપ વાક્યો, અવિશ્વસનીય લંબાઈના વાક્યો અને તેના સ્વરની પ્રશંસા કરી. તેમણે 2019માં ‘બેરન વેંકહાઇમ્સ હોમકમિંગ’ માટે અમેરિકામાં અનુવાદિત સાહિત્ય માટે રાષ્ટ્રીય પુસ્તક પુરસ્કાર પણ જીત્યો હતો.