મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ફરી ઈવીએમ પર સવાલો ઉભા થયા હતા. ખાસ કરીને મહારાષ્ટ્રમાં હાર બાદ મહા વિકાસ આઘાડીની પાર્ટીઓએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ હવે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ કોંગ્રેસના આરોપોને નકારી દીધા છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ ઈવીએમને લઈને આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા.
અભિષેક બેનર્જીએ કોંગ્રેસને સંભળાવ્યું
મમતા બેનર્જીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જીને પત્રકારોએ ઇવીએમ અંગે સવાલ કર્યા હતા. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેના પર સવાલ ઉઠાવવાનો કોઇ અર્થ નથી અને ઇવીએમ સામે કોઇની પાસે પુરાવા હોય તો તેમણે તેને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી દેવા જોઇએ. અભિષેક બેનર્જી આટલેથી અટક્યા નહીં. તેમણે એમ પણ કહ્યું કે જેને પણ ઈવીએમમાં સમસ્યા હોય તેમણે એક ડેમો રજૂ કરવો જોઈએ અને જણાવવું જોઈએ કે આખરે ઈવીએમમાં શું ગરબડ છે.
અભિષેક બેનર્જીએ કહ્યું કે ચૂંટણી પંચે એવા લોકોને બોલાવ્યા હતા જેમને ઈવીએમ સાથે ફરિયાદ છે. બૂથ પર જે પણ કામ કરે છે, જો તે મોકપોલનો ટાઇમ ચેક કરે અને કાઇન્ટિંગના સમયને ચેક કરે કો કોઇ ગરબડી આવશે નહીં. પરંતુ જો કોઈને લાગે છે કે ઈવીએમ હેક થઈ શકે છે તો તેમણે ચૂંટણી પંચને બતાવવું જોઈએ કે તેની સાથે કેવી રીતે છેડછાડ થઈ શકે છે.
આ પણ વાંચો – ઓમર અબ્દુલ્લાની કોંગ્રેસ સામે સટાસટી,’EVM ને લઈ રોવાનું બંધ કરો, ચૂંટણી પરિણામો સ્વીકારો’
ઉમર અબ્દુલ્લાએ પણ ઇવીએમ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
અભિષેક બેનર્જીએ કહ્યું કે જો કોઈને ઈવીએમ પસંદ ન હોય તો તે જમીન પર ઉતરીને આંદોલન કરે, નિવેદન જારી કરવાથી કંઈ થતું નથી. ઉમર અબ્દુલ્લાએ પહેલા જ કહ્યું હતું કે આ ઈવીએમનો ઉપયોગ કરીને તમારા 100થી વધુ સભ્યો સંસદ સુધી પહોંચે છે, ત્યારે તમે જીતની ઉજવણી કરો છો. પરંતુ જ્યારે તમે હારી જાઓ છો, ત્યારે તમે કહો છો અમને આ પસંદ નથી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ઈવીએમ એટલા માટે પસંદ નથી કરતા કારણ કે ચૂંટણી પરિણામો તે રીતે નથી આવી રહ્યા જેવું આપણે ઇચ્છીએ છીએ.
મમતાને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગ
થોડા દિવસ પહેલા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જીનો ભાજપ સામે લડવાનો સારો ટ્રેક રેકોર્ડ છે અને તેમને ઇન્ડિયા ગઠબંધનના નેતા જાહેર કરવા જોઈએ. મમતાને લાલુ યાદવ અને શરદ પવારનું પણ સમર્થન છે.