Gujarat Latest News Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 1 September 2024 Highlights આજના તાજા સમાચાર: મોબ લિંચિંગની વધતી ઘટનાઓ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકારો પર મોટો પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્રમાં ધૂલે એક્સપ્રેસ ટ્રેનમાં ગૌમાંસ ખાવાની શંકામાં એક વૃદ્ધને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઉપરાંત હરિયાણામાં મોબ લિંચિંગની ઘટનાને લઈને પણ રાજકીય પારો વધી ગયો છે. હવે મહારાષ્ટ્રના પીડિતની તસવીર પોસ્ટ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો નફરતને રાજકીય હથિયાર બનાવીને સત્તાની સીડી પર ચઢ્યા છે તેઓ દેશભરમાં સતત ભયનું રાજ સ્થાપિત કરી રહ્યા છે. ટોળાના રૂપમાં છુપાયેલા નફરતના તત્વો ખુલ્લેઆમ કાયદાના શાસનને પડકારતી હિંસા ફેલાવી રહ્યા છે. આ ઉપદ્રવીઓને ભાજપ સરકાર તરફથી ખુલ્લી છુટ છે, એટલે જ તેમનામાં આવું કરવાની હિંમત થઇ છે.
જેડીયું નેતા કેસી ત્યાગી એ પાર્ટી પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું
જનતા દળ યુનાઇટેડ પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. જેડીયું નેતા કેસી ત્યાગી એ પાર્ટી પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે. હવે રાજીવ જૈનને નવા પાર્ટી પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પક્ષ કાર્યકર્તાઓ સાથે પ્રીત વિહારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પેરા ઓલિમ્પિક: અવની લેખરા, ભાવના પટેલ સહિત રમતવીરો મેડલ જીતવા પ્રયાસ કરશે
પેરા ઓલિમ્પિકનો આજે ચોથો દિવસ છે. વિતેલ 3 દિવસમાં ભારતીય રમતવીરોએ શુટિંગમાં 4 અને એથલેટ્કિસમાં 1 એમ કૂલ 5 મેડલ જીત્યા છે. આજે ભારતની ગોલ્ડ મેડલિસ્ટ નિશાનેબાજ અવની લેખરા મિક્સડ 10 મીટર એર રાઇફલ પ્રોન SH1 ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે, જેમા તેમની સાથે સિદ્ધાર્થ બાબૂ હશે. ઉપરાંત મેન હાઇ જમ્પ ઇવેન્ટમાં નિષાદ અને રાપમાલ દેખાશે. ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવના પટેલ પણ રવિવાર પોતાની રમતની શરૂઆત કરશે. તો તિરંદાજ રાકેશ કુમાર મેન ઇન્ડિવિઝ્યુઅલ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં રમશે. બ્રોન્જ મેડલ વિજેતા રમતવીર પ્રીતિ પટેલ 100 મીટર બાદ હવે 200 મીટરમાં મેડલ માટે દાવો કરશે.





