Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 10 February 2025, આજના તાજા સમાચાર: યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શો પર અશ્લીલ કોમેન્ટ કરવાના વિવાદ વચ્ચે હવે રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી લીધી છે, પરંતુ આ વિવાદ ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી. હવે આ મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને યૂટ્યૂબને નોટિસ મોકલીને કહ્યું છે કે આ વીડિયોને પ્લેટફોર્મ પરથી હટાવી દેવો જોઇએ. અધિકાર સંસ્થાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તેને યોગેન્દ્ર સિંહ ઠાકુર તરફથી ફરિયાદ મળી છે, જેમણે આરોપ લગાવ્યો છે કે કોમેડિયન સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવેલા યુટ્યુબ શોમાં ભારતીય સમાજ વિશે ખૂબ જ વાંધાજનક, અયોગ્ય અને અભદ્ર ટિપ્પણીઓ છે.
PM મોદી ફ્રાંસના પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા સોમવારે પેરિસ પહોંચ્યા છે. સમિટ એક એવા ફાઉન્ડેશનની પણ જાહેરાત કરી શકે છે જે ગ્લોબલ સાઉથની જરૂરિયાતોને પહોંચી વળવા જાહેર હિતમાં AI પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત અને ફ્રાન્સ નાગરિક પરમાણુ સહયોગને વેગ આપતા નાના મોડ્યુલર રિએક્ટર અંગે જાહેરાત કરશે.
ભારત-ફ્રાન્સ ત્રિકોણીય વિકાસ સહયોગ પહેલ પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. બંને દેશો જાહેરાત કરશે કે 2026ને ભારત-ફ્રાન્સ ઈનોવેશન યર તરીકે ઉજવવામાં આવશે અને લોગો લોન્ચ કરવામાં આવશે. બુધવારે ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદી માર્સેઈ શહેરની મુલાકાત લેશે અને ત્યાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કરશે. માર્સેલી એક વ્યૂહાત્મક ટેલિકોમ્યુનિકેશન કનેક્શન સેન્ટર પણ છે.
નલિયામાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો
અત્યારે સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં વધઘટ થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે શનિવારે ગુજરાતમાં 10.4 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જેમાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે સુરતમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 12.5 ડિગ્રી અને કેશોદમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





