Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 January 2025, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે બુધવારે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે લંબાવ્યો, જેણે મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ સંકુલનું કોર્ટ-નિરીક્ષણ સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી હતી. આ સંકુલ કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલું છે. ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે તે એપ્રિલના પહેલા સપ્તાહથી મસ્જિદ પરિસરના કોર્ટ દ્વારા દેખરેખ હેઠળના સર્વેક્ષણ સામે ‘ટ્રસ્ટ શાહી મસ્જિદ ઇદગાહ પ્રબંધન સમિતિ’ની અરજી પર સુનાવણી કરશે.
હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર શેખ મુહમ્મદ અલી હમ્માદીની ગોળી મારીને હત્યા
હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર શેખ મુહમ્મદ અલી હમ્માદીની પૂર્વી લેબેનોનમાં તેમના ઘરની સામે જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શેખ મુહમ્મદ અલી હમ્માદી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હમ્માદી હિઝબુલ્લાહના પશ્ચિમી અલ-બકા ક્ષેત્રના કમાન્ડર હતો. હમ્માદીને હુમલાખોરોએ બે વાહનોમાં નિશાન બનાવ્યો હતો. હમ્માદીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષો જૂના પારિવારિક ઝઘડાના કારણે હમ્માદીની હત્યા કરવામાં આવી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સીધી ધમકી
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાની સાથે જ પોતાના ઉતાવળા નિર્ણયોથી દુનિયાને ચોંકાવી દીધી છે. વ્હાઇટ હાઉસમાં પહેલા જ દિવસે, તેમણે ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં દેશની દક્ષિણ સેના પર WHO અને પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા માટે કટોકટી લાદવાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે પુતિનને પણ ચેતવણી આપી છે.
ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળના પહેલા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે જો વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધને લઈને વાતચીતના ટેબલ પર નહીં આવે તો અમે રશિયા પર પ્રતિબંધો લાદીશું. અમેરિકી રાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું કે તેઓ કોઈપણ સમયે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળવા માટે તૈયાર છે. પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે જો પુતિન યુક્રેન મુદ્દે વાટાઘાટોના ટેબલ પર નહીં આવે તો રશિયા પર પ્રતિબંધો લાદવામાં આવશે.
નલિયામાં સતત વધતું જતું તાપમાન
સમગ્ર ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો છે ત્યારે હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે 11 ડિગ્રીથી લઈને 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયામાં સતત તાપમાન વધીને 11 ડિગ્રી લઘુતમ તાપમાન પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 18.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે.





