Nimisha Priya : યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઇએ ફાંસી થશે, હવે બચવા માટે માત્ર એક રસ્તો

Indian Nurse Nimisha Priya in Yemen : યમનના નાગરિકની હત્યા કરવા બદલ ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવશે. નિમિષા પ્રિયાનો જીવ બચાવવા માટે ભારત સરકાર આ મામલે હસ્તક્ષેપ કરી શકે છે.

Written by Ajay Saroya
Updated : July 08, 2025 21:40 IST
Nimisha Priya : યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઇએ ફાંસી થશે, હવે બચવા માટે માત્ર એક રસ્તો
Indian Nurse Nimisha Priya in Yemen : નિમિષા પ્રિયા તલાલ એબ્દોના સહયોગથી યમનમાં એક ક્લિનિક ચલાવતી હતી, પરંતુ તેને માનસિક, શારીરિક અને આર્થિક શોષણનો સામનો કરવો પડ્યો હતો, જે હત્યામાં પરિણમ્યો હતો. (File Photo)

Indian Nurse Nimisha Priya in Yemen : યમનના નાગરિક તલાલ અબ્દો મેહદીની હત્યાના ગુનામાં દોષિત ઠરેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી આપવાની છે. યમનમાં અબ્દો તલાલના પરિવાર અને સરકારી અધિકારીઓ સાથે વાતચીતમાં સામેલ એક સામાજિક કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમ બાસ્કરને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સરકારી વકીલે જેલ અધિકારીઓને કાર્યવાહીનો પત્ર જારી કર્યો છે. 16 જુલાઈએ ફાંસી આપવાનું નક્કી છે, જોકે વિકલ્પો હજી પણ ખુલ્લા છે. નિમિષા પ્રિયાનો જીવ બચાવવા માટે ભારત સરકાર આ મામલે હસ્તક્ષેપ કરી શકે છે.

તલાલના પરિવાર પાસેથી હજુ સુધી માફી માંગી નથી

તલાલના પરિવાર તરફથી માફી માંગવા અંગે પૂછવામાં આવતા સેમ્યુઅલે કહ્યું, “અમે છેલ્લી મુલાકાત દરમિયાન પરિવારને એક પ્રસ્તાવ આપ્યો હતો. અત્યાર સુધી તેમણે કોઇ જવાબ આપ્યો નથી. હું આજે વાટાઘાટો ફરી શરૂ કરવા માટે યમન જઈ રહ્યો છું. નિમિષાની માતા પ્રેમા કુમારી કોચીમાં રહે છે, જે છેલ્લા એક વર્ષથી યમનમાં છે. મૂળ કેરળની રહેવાસી નિમિષા પ્રિયા એ વર્ષ 2017માં તેના પર હત્યાનો આરોપ લાગ્યો ત્યાં સુધી ઘણા વર્ષો સુધી યમનમાં નર્સ તરીકે કામ કર્યું હતું.

માફી મળે તો ફાંસી નહીં આપવામાં આવે

નિમિષા પ્રિયા એ તલાલ એબ્દોના સહયોગથી યમનમાં એક ક્લિનિક ચલાવતી હતી, પરંતુ અહેવાલ મુજબ તેને માનસિક, શારીરિક અને આર્થિક શોષણનો સામનો કરવો પડ્યો હતો. યમનની ટ્રાયલ કોર્ટે નિમિષા પ્રિયાને ફાંસીની સજા સંભળાવી હતી અને સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખી હતી. ગયા વર્ષે યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ અલીમીએ 38 વર્ષીય નિમિષાને ફાંસીની સજાને મંજૂરી આપી હતી. હવે તેનું નસીબ તલાલના પરિવારની માફી પર નિર્ભર કરે છે. ગયા વર્ષે જ્યારે યમનના રાષ્ટ્રપતિએ ફાંસીની સજાને મંજૂરી આપી હતી, ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે તેમને અને તેમના પરિવારને તમામ શક્ય મદદ કરશે.

નિમિષા પ્રિયાને 2017માં યમનના નાગરિકની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તે દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરતા પકડાઇ હતી અને 2018માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. નિમિષા પ્રિયાની માતા હાલ યમનમાં છે, જ્યાં તે માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને ‘બ્લડ મની’ આપીને તેની ફાંસીની સજા માફ કરવાનો પ્રયાસ કરી રહી હતી.

ઇસ્લામિક કાયદામાં બ્લડ મની એટલે શું?

ઇસ્લામિક કાયદા અનુસાર, ગુનાનો ભોગ બનેલા લોકોને એ કહેવાનો અધિકાર છે કે ગુનેગારોને કેવી રીતે સજા આપવી. હત્યાના કિસ્સામાં, આ સિદ્ધાંત પીડિતોના પરિવારોને લાગુ પડે છે. જો કે હત્યાની સજા મૃત્યુ દંડ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ભોગ બનનારનો પરિવાર (ખાસ કરીને વારસદારો) નાણાકીય વળતરના બદલામાં હત્યાને માફ કરવાનું પસંદ કરી શકે છે. આ દિયાનો સિદ્ધાંત છે. તેને સામાન્ય રીતે બ્લડ મની તરીકે ઓળખવામાં આવે છે.

વિદ્વાનોનું માનવું છે કે આની પાછળનો વિચાર ક્ષમાના ગુણને પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ પીડિત પરિવારને વળતરરૂપ ન્યાય પણ આપવાનો છે. ધર્મગ્રંથોમાં વળતર તરીકે કોઈ ચોક્કસ રકમ સૂચવવામાં આવી નથી, સામાન્ય રીતે હત્યા કરનારના પરિવાર / પ્રતિનિધિઓ અને પીડિતના પરિવાર વચ્ચે વાટાઘાટો દ્વારા રકમની પતાવટ કરવામાં આવે છે. જો કે, કેટલાક ઇસ્લામિક દેશોએ વળતરની લઘુત્તમ રકમ નક્કી કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ