Chandrayaan : ચંદ્રયાન 3 ને ચાંદ પર લેન્ડ થયાને એક વર્ષ પુરું થવાનું છે. આ પહેલા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે ખુશખબરી આપી છે. તેમણે કહ્યું કે અંતરિક્ષ એજન્સીએ આગામી તબક્કાના ચંદ્ર મિશન ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 5 માટે ડિઝાઇન પુરી કરી લીધી છે. અમે ફક્ત સરકાર તરફથી લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છીએ. ઇસરોના વડા ડો.એસ.સોમનાથે જણાવ્યું કે જો સરકાર મંજૂરી આપે તો ટૂંક સમયમાં ચંદ્રયાન-4 મિશનને લોન્ચ કરવામાં આવી શકે છે.
ચંદ્રયાન-4 મિશન ચંદ્રની સપાટી પરથી પથ્થર અને માટીના નમૂના લાવશે. તેમાં સોફ્ટ લેન્ડિંગ થશે. આ મિશન કરતાં વધુ મહત્વનું સ્પેસ ડોકિંગ હશે. એટલે કે ચંદ્રયાન-4ને અંતરિક્ષમાં ટુકડામાં મોકલવામાં આવશે. આ પછી તેને સ્પેસમાં જ જોડવામાં આવશે. ઈસરો પહેલીવાર આ કામ કરવા જઈ રહ્યું છે.
ડો. એસ સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3 બાદ ચંદ્ર પર અમારા ઘણા મિશન છે. આ પહેલા ઈસરોના અધિકારીઓએ કહ્યું હતું કે ચંદ્રયાન-4ને વર્ષ 2028માં લોન્ચ કરવામાં આવશે.
પાંચ વર્ષમાં 70 સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારી
આ ઉપરાંત ડો.સોમનાથે જણાવ્યું હતું કે ઈસરો આગામી પાંચ વર્ષમાં 70 સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમાં નીચલી કક્ષામાં ઉપગ્રહો પણ સ્થાપિત કરવાના રહેશે. એવામાં અનેક પ્રકારના મંત્રાલયોની માંગ પૂરી થઇ રહી છે. તેમાં નાવિક રિજનલ નેવિગેશન સિસ્ટમના ચાર ઉપગ્રહો હશે.
નેવિગેશન, જાસૂસી, મેપિંગ સહિતના ઘણા ઉપગ્રહો છોડાશે
આ 70 ઉપગ્રહોમાં INSAT 4D વેધર સેટેલાઇટ, રિસોર્સિસેટ, કાર્ટોસેટ સેટેલાઇટ પણ સામેલ છે. આ સિવાય કેટલાક ઉપગ્રહોનો ઉપયોગ રિમોટ સેન્સિંગ અને હાઇ રિઝોલ્યુશન ઇમેજિંગમાં કરવામાં આવશે. ઇસરો ઓશનસેટ શ્રેણીના ઉપગ્રહોને વધુ વિકસિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ડિમોન્સ્ટ્રેશન 1 અને 2 ઉપગ્રહો છોડવામાં આવશે.
આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે અક્ષય ઉર્જા દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
ગગનયાનને ટ્રેક કરવા માટે રિલે સેટેલાઇટ્સ છોડવામાં આવશે
ઇસરોના વડા ડો.સોમનાથે જણાવ્યું હતું કે ગગનયાન મિશન માટે ઇસરો પ્રથમ રિલે સેટેલાઇટ લોન્ચ કરશે. જેથી ગગનયાનનો સંપર્ક પૃથ્વીની ચારે બાજુથી થઈ શકે. તેના પર નજર રાખી શકાય છે. આ ઉપરાંત જીસેટ પણ સેટેલાઈટના માધ્યમથી સંપર્કમાં રહેશે. આ ઉપગ્રહોને અમેરિકાથી જ સ્પેસએક્સના ફાલ્કન રોકેટથી પ્રક્ષેપિત કરવામાં આવશે. આ ઉપરાંત બુધ અને શુક્રના મિશન પણ થશે.
અંતરિક્ષમાં ચંદ્રયાન-4ની કેવી છે તૈયારી
ઈસરો ચીફે કહ્યું કે ચંદ્રયાન-4ને એક સાથે લોન્ચ કરવામાં નહીં આવે. ચંદ્રયાન-4ના ભાગોને બે વાર અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી ચંદ્ર તરફ જતા ચંદ્રયાન -4 ના ભાગો સ્પેસમાં જ ઉમેરવામાં આવશે. એટલે કે તેને એસેમ્બલ કરવામાં આવશે. આનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં પણ એ જ રીતે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે.
ચંદ્રયાન-4 અને તેના ભાગોને અંતરિક્ષમાં ઉમેરીને ઈસરો ભવિષ્યમાં સ્પેસ સ્ટેશન બનાવવાની ટેક્નોલોજી અને ક્ષમતા પણ પ્રાપ્ત કરશે. આથી ચંદ્રયાન-4 મિશન ઘણું મહત્વનું છે. ડૉ.એસ.સોમનાથે કહ્યું કે અમે ચંદ્રયાન-4નું તમામ પ્લાનિંગ કર્યું છે. તેને કેવી રીતે લોન્ચ કરવું, કયો ભાગ ક્યારે લોન્ચ થશે.