રાજસ્થાનના જયપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કોચિંગ ક્લાસમાં અચાનક ઘણી વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. આ ઘટના ઉત્કર્ષ કોચિંગ ક્લાસમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બે ડઝન જેટલી વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ છે. ગટરમાંથી ઝેરી ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. આ ઘટના બનતાં જ ત્યાં હાજર બાળકોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.
વિદ્યાર્થીનીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
વિદ્યાર્થિનીઓને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના બાદ તરત જ સેંકડો વિદ્યાર્થીઓની ભીડ પણ કોચિંગ સેન્ટરની બહાર એકઠી થઈ ગઈ હતી. આ ઘટના જયપુરના મહેશનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુરામાં બની હતી.
ગટરમાંથી ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક વિદ્યાર્થિનીઓને ગૂંગળામણનો અનુભવ થયો અને ઘણી બેભાન થવા લાગી હતી. બે વિદ્યાર્થિનીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. બાકીની વિદ્યાર્થિનીઓ ખતરાની બહાર છે. જો કે હજુ પણ તમામની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ માહિતી નથી કે કેટલી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયપુર પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને જે પણ કારણ બહાર આવશે તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.