રિસાયીમાં આતંકી હુમલો કેમ ગંભીર ચિંતાનો વિષય? જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાં જ છે વૈષ્ણો દેવી તીર્થ

Jammu Kashmir Terrrorist Attack : રવિવારે જમ્મુ કાશ્મીરના રિયાસીમાં શિવ ખોડીથી યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલાએ સુરક્ષા એજન્સીઓ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે, આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા

Written by Ashish Goyal
Updated : June 10, 2024 18:16 IST
રિસાયીમાં આતંકી હુમલો કેમ ગંભીર ચિંતાનો વિષય? જમ્મુ કાશ્મીરના આ જિલ્લામાં જ છે વૈષ્ણો દેવી તીર્થ
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં તીર્થ યાત્રીઓથી ભરેલી બસ પર આતંકી હુમલામાં 9 લોકોના મોત થયા છે (તસવીર - એએનઆઈ)

Jammu Kashmir Terrrorist Attack : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના શિવખોડી જઈ રહેલી યાત્રાળુની બસ પર રવિવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા અને 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રવિવારે સાંજે લગભગ 6.10 વાગ્યે આતંકીઓએ રાજૌરી જિલ્લાની સરહદે આવેલા રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવખોડીથી કટરા જઈ રહેલા યાત્રીઓની બસને નિશાન બનાવી હતી.

રવિવારે રિયાસીમાં શિવ ખોડીથી યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલાએ સુરક્ષા એજન્સીઓ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. એટલા માટે ખતરાની ઘંટડી છે કારણ કે તે રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓથી આગળ જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદીઓના વિસ્તરણનો સંકેત આપે છે.

રિયાસી જિલ્લામાં છેલ્લે 2022માં હુમલો થયો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ છેલ્લે મે 2022 માં રિયાસી જિલ્લા પર હુમલો કર્યો હતો. તેઓએ એક બસમાં ચીપકણા બોમ્બ લગાવ્યા હતા. જેમાં ચાર વૈષ્ણોદેવીના યાત્રાળુઓ માર્યા ગયા હતા અને લગભગ બે ડઝન ઇજાગ્રસ્ત થયા હતા.

નિયંત્રણ રેખાથી દૂર આવેલો આ જિલ્લો લગભગ બે દાયકાથી શાંતિપૂર્ણ રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી એકમાત્ર અન્ય આતંકવાદી પ્રવૃત્તિ નોંધાઈ છે, જે રાજૌરી અને પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કર્યા પછી કાશ્મીર ખીણ તરફ જતા આતંકવાદીઓની છે.

જુલાઈ 2022માં સ્થાનિક રહેવાસીઓએ રિયાસી જિલ્લાના ટુકસાન ઢોકમાં ભારે હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને પકડ્યા હતા અને જમ્મુ-કાશ્મીર પોલીસને હવાલે કર્યા હતા. તે સમયે બંને રાજૌરીથી કાશ્મીર જઈ રહ્યા હતા.

આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના રિયાસીમાં તીર્થ યાત્રીઓથી ભરેલી બસ પર આતંકી હુમલો, 9ના મોત, 33 ઇજાગ્રસ્ત

રાજૌરી અને પૂંછમાં આતંકી ગતિવિધિઓનો ફરી વધારો

રાજૌરી, પૂંછ અને રિયાસી જિલ્લાઓ 1990ના દાયકાના અંતથી માંડીને 2000ના દાયકાની શરૂઆતમાં આતંકવાદના કેન્દ્રબિંદુઓ હતા, પરંતુ ત્યાર બાદ તે પ્રમાણમાં શાંતિપૂર્ણ બની ગયા હતા. જોકે 2021માં રાજૌરી અને પૂંછમાં આતંકી ગતિવિધિઓનો ફરી વધારો થયો છે. પૂર્વ સુરક્ષા દળોના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ત્રણ જિલ્લાઓ તેમની ભૌગોલિક સ્થિતિ, પહાડી પ્રદેશ અને ગાઢ જંગલોની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

એલઓસીનો લગભગ 200 કિમીનો ભાગ રાજૌરી અને પૂંછમાંથી પસાર થાય છે

એલઓસીનો લગભગ 200 કિમીનો ભાગ રાજૌરી અને પૂંછમાંથી પસાર થાય છે. પીર પંજાલ રેન્જ (જે કાશ્મીરને જમ્મુથી અલગ પાડે છે) ત્રણ જિલ્લાઓમાંથી પસાર થાય છે અને એલઓસી પાર કરતા આતંકવાદીઓ માટે ઘાટીમાં એક દ્વાર છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ આતંકવાદીઓ માટે ફાયદાકારક છે કારણ કે જ્યારે પણ તેઓ સુરક્ષા દળોના વધતા જતા દબાણનો સામનો કરે છે ત્યારે પર્વતો અને જંગલો તેમને જિલ્લાઓ વચ્ચે જવા માટે કવર પૂરું પાડે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે રિયાસીમાં રવિવારે થયેલો આતંકવાદી હુમલો સંભવતઃ રાજૌરી અને પૂંછમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ પર વધી રહેલા દબાણની પ્રતિક્રિયા હતી.

2021થી અત્યાર સુધીમાં રાજૌરી અને પૂંછ બંને જિલ્લામાં આતંકવાદી હુમલામાં કુલ 38 સૈનિકો શહીદ થયા છે અને 11 નાગરિકોનાં મોત થયા છે. જેમાંથી માત્ર 2023માં જ લગભગ 24 સૈનિકો શહીદ થયા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ