Justice Varma Impeachment: ન્યાયાધીશ જસ્ટિસ વર્મા સામે રોકડ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ચલણી નોટો મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બીજી તરફ એમની સામે પદભ્રષ્ટ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 21 જુલાઇથી શરુ થઇ રહેલા ચોમાસું સત્રના પહેલા અઠવાડિયામાં લોકસભામાં ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાની માંગ કરતી દરખાસ્ત પર ચર્ચા થવાની સંભાવના છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, જસ્ટિસ વર્મા સામે રોકડ મામલે કાર્યવાહી થતાં તે હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટે તેમને આ કેસમાં દોષિત ઠેરવ્યા છે. જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટના આંતરિક તપાસ અહેવાલને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.
બીજી તરફ જસ્ટિસ વર્માને હટાવવા મામલે કાર્યવાહી ચાલી રહી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિસુએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશોને હટાવવા સંસદનો અધિકારક્ષેત્રમાં છે. સુપ્રીમ કોર્ટમાં શું થઇ રહ્યું છે તેનાથી સંસદ સ્વતંત્ર છે.
મંત્રી કિરેન રિજિજુએ તમામ પક્ષોના નેતાઓ સાથે આ મામલે વાત કરી છે જેથી તેઓ પદ પરથી હટાવવાની દરખાસ્ત રજૂ કરતાં પહેલા આ મુદ્દે સર્વ સંમતિ સાધી શકે. આ મામલે તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો મહાભિયોગ રાજકીય ન હોઇ શકે, સરકારે બધાને સાથે લેવા જોઇએ કારણ કે આ અંગે પક્ષો વચ્ચે મતભેદને કોઇ અવકાશ નથી.
અહીં નોંધનિય છે કે, રિજિજુએ વિપક્ષી નેતાઓ સાથે વાત કરીને એવું સ્પષ્ટ કર્યું છે કે, ભ્રષ્ટાચાર વિરોધમાં દરેક પક્ષનું એકમત વલણ હોવું જોઇએ.
જસ્ટિસને હટાવવાના પ્રસ્તાવ માટેની નોટિસ પર વિવિધ પક્ષોના સાંસદો દ્વારા સહી કરવામાં આવશે. મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે તેને નીચલા ગૃહમાં ઓછામાં ઓછા 100 સભ્યો દ્વારા સહમતિ દર્શાવવી જરુરી છે.
એકવાર સાંસદો પ્રસ્તાવ રજૂ કરે પછી ગૃહના અધ્યક્ષ તેને સ્વીકારી કે નકારી શકે છે. કોઇ ગૃહ દ્વારા મહાભિયોગનો પ્રસ્તાવ સ્વીકાર્યા પછી સ્પીકર કે ચેરમેનને ભારતના મુખ્ય ન્યાયાધીશ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવી પડે છે.
જસ્ટિસ વર્માના ઘરેથી રોકડ કેમ જપ્ત ન કરી… અધિકારીઓએ શું કહ્યું? વિગતે વાંચો
આ તપાસ સમિતિમાં કોઇ પણ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને સ્પીકર કે ચેરમેન દ્વારા કોઇ પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રીનો સમાવેશ કરી શકાય છે. જો આ તપાસ સમિતિના રિપોર્ટમાં દોષિત ઠરે તો ન્યાયાધીશને દૂર કરવાની ચર્ચા કરવામાં આવે છે.
સરકાર ચોમાસું સત્રમાં જ આ પ્રસ્તાવ રજૂ કરવાની અને તેમને હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની તજવીજમાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.





