Karnataka Police : પોલીસ ધારે તો ગમે તેવા કેસ ઉકેલી શકે છે. આવો જ એક વણઉકેલ્યા કેસ પોલીસે 35 વર્ષ પછી ઉકેલ્યો છે. એક વિદ્યાર્થીને 35 વર્ષ પહેલા સરકારી નોકરીનું વચન આપીને 200 રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક વ્યક્તિ વિદ્યાર્થી પાસેથી 200 રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના 1990 ની છે એટલે એ જમાનામાં 200 રૂપિયાની ઘણી વેલ્યૂ હતી.
1990માં સંઘર્ષ કરી રહેલા 20 વર્ષીય વિદ્યાર્થી વેંકટેશ મહાદેવ વૈદ્ય માટે આ પૈસા આશાનું કિરણ હતું. જે તેણે એક અજાણી વ્યક્તિને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હોવાથી આપ્યા હતા. પૈસા લીધા પછી તે વ્યક્તિ રાતોરાત ગાયબ થઈ ગયો અને વૈદ્ય દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ 35 વર્ષ સુધી વણઉકેલ્યો રહ્યો.
ગયા અઠવાડિયે એક કુરિયર ટ્રિક દ્વારા આરોપી બી કેશવમૂર્તિ રાવની ધરપકડ કરવામાં આવી હતી. જે હવે 72 વર્ષના થઇ ગયા છે. આ સાથે કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સિરસી રૂરલ પોલીસે પોલીસ સ્ટેશનનો સૌથી જૂનો પેન્ડિંગ કેસ પૂરો કર્યો છે.
આ કેસ 35 વર્ષ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો
બે મહિના પહેલા પોલીસ સ્ટેશનનો હવાલો સંભાળનાર પોલીસ ઇન્સ્પેક્ટર મંજુનાથ ગૌડા જૂના કેસો પર નજર કરી રહ્યા હતા ત્યારે તેમની નજરમાં એક કેસ આવ્યો હતો. તેમણે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનનો આ સૌથી જૂનો પેન્ડિંગ કેસ હતો. મને તે રસપ્રદ લાગ્યો કારણ કે આ કેસ 200 રૂપિયાને લઇને દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર મંજુનાથ ગૌડા તે શહેરમાં કામ કરતા હતા જ્યાં આરોપી રાવ રહેતો હતો. તેમણે કહ્યું કે મેં કુંદાપુરામાં મારા નેટવર્ક સાથે કેટલીક વિગતો શેર કરી અને મને ખબર પડી કે તેણે બે દાયકા કરતા પણ વધુ સમય પહેલા શહેર છોડી દીધું હતું.
પોલીસે આ રીતે કરી આરોપીની ધરપકડ
ઇન્સ્પેક્ટર મંજુનાથે કેશવમૂર્તિ રાવના સબંધીઓનો સંપર્ક સાધ્યો અને તેમનો ફોન નંબર મેળવ્યો. પોલીસને જાણવા મળ્યું કે તે બેંગલુરુમાં રહેતો હતો, જ્યાં તે કન્નડ કાર્યકર્તા બની ગયો હતો અને એકલો રહેતો હતો. સિરસીની પોલીસ 200 રૂપિયાના કેસમાં બેંગલુરુની 400 કિ.મી.ની મુસાફરી કરવાની સ્થિતિમાં ન હતી.
આ પણ વાંચો – ફાર્મહાઉસની દિવાલ કુદીને ભાગ્યો પાળેલો સિંહ, મહિલા અને બાળકો પર કર્યો હુમલો, જુઓ VIRAL VIDEO
આ દરમિયાન જૂનના છેલ્લા સપ્તાહમાં પોલીસ કોન્સ્ટેબલ મારુતિ ગૌડા, જે કબડ્ડીના ખેલાડી પણ છે. વાર્ષિક પોલીસ સ્પોર્ટ્સ સ્પર્ધામાં ભાગ લેવા બેંગલુરુ જઇ રહ્યા હતા, ત્યારે ઇન્સ્પેક્ટર મંજુનાથ ગૌડાએ તેમને સ્પર્ધા પૂરી થયા બાદ કેશવમૂર્તિ રાવ વિશે શોધ કરવા કહ્યું હતું. કોન્સ્ટેબલે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મેં કુરિયર ઓફિસના કર્મચારી તરીકે તેને ફોન કર્યો હતો અને નામની પુષ્ટિ કરી હતી. મેં તેને પાર્સલ લેવા કુરિયર ઓફિસ આવવાનું કહ્યું હતું. જ્યારે તે આવ્યો ત્યારે મેં તેને પકડ્યો અને તેને સિરસી લાવ્યો હતો.
સરકારી નોકરીના નામે 200 રૂપિયાની છેતરપિંડી
એફઆઈઆર દાખલ કરનાર વેંકટેશ મહાદેવ વૈદ્ય ફેબ્રુઆરી 1990માં B.Com ગ્રેજ્યુએટ હતા અને પોતાના અભ્યાસ માટે નાના મોટા કામ કરતા હતા. તેઓ M.Sc વિદ્યાર્થી હતા અને અભ્યાસ માટે વિચિત્ર નોકરીઓ કરતા હતા. આ દરમિયાન તેમની મુલાકાત સિરસીમાં પ્રભાવશાળી મનાતા કેશવમૂર્તિ રાવ સાથે થઇ હતી.
વૈદ્યે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મારાં માતા-પિતા મજૂર હતાં. બી.કે.રાવે મને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું અને 200 રૂપિયાની લાંચ માંગી હતી. તે સમયે તે એક મોટી રકમ હતી. તેની દરખાસ્ત આશાસ્પદ લાગતી હતી. તેથી મેં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી લોન લીધી અને રાવને પૈસા ચૂકવી દીધા. જોકે રાવ પછી ગુમ થઇ ગયો હતો. બાદ વેંકટેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે હું રડી પડ્યો હતો કારણ કે મેં આટલી મોટી રકમ ગુમાવી દીધી હતી. તે પછી હું જીવનમાં આગળ વધી ગયો હતો.
1990 માં દાખલ કરેલો કેસ 2025 માં ઉકેલાયો
મહાદેવ વૈદ્યે B.Com અભ્યાસ પૂર્ણ કર્યો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)માં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે બેંગલુરુમાં એસબીઆઈ શાખાના ચીફ મેનેજરના પદ પરથી નિવૃત્તિ લીધી હતી. દર બે-ત્રણ વર્ષે તેને પોલીસનો અવારનવાર ફોન આવતો અને રાવની માહિતી માગતા હતા. જુલાઈ 2025ના પહેલા અઠવાડિયામાં વૈદ્યને એક કોલ આવ્યો જેની તેણે ક્યારેય અપેક્ષા રાખી ન હતી.
આખરે સિરસી ગ્રામ્ય પોલીસે કેશવમૂર્તિ રાવની ધરપકડ કરી. જેના જવાબમાં મહાદેવે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે હું રાવને ક્યારેય મળીશ, ધરપકડની તો વાત જ જવા દો. ગયા અઠવાડિયે રાવ કોર્ટમાં હાજર થયો હતો અને વૈદ્યની માફી માગી હતી. નિવૃત્ત બેન્કરે કહ્યું કે હવે જ્યારે તે 72 વર્ષનો થઈ ગયો છે ત્યારે 200 રૂપિયા તે સમયે ઘણા પૈસા હતા, પરંતુ હવે નહીં. મેં માનવતાના ધોરણે તેને માફ કરી દીધો. વૈદ્યના કેસ પાછા ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને કોર્ટે કેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.