સમગ્ર વિશ્વમાં કિડની રોગથી પીડિત લોકોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. કિડની ફેલ થવાના કિસ્સામાં દર્દીઓએ ડાયાલિસિસનો આશરો લેવો પડે છે. જો કે, એક સંશોધન દર્શાવે છે કે ક્રોનિક કિડની ડિસીઝ (CKD) ના કિસ્સામાં, ઘણા દર્દીઓ સમયસર ડાયાલિસિસ કરાવી શકતા નથી, જેથી તેમના સ્વાસ્થ્યને અસર કરી શકે છે, ક્યારેક તે જીવલેણ સાબિત થઇ શકે છે.
કિડની ડિસીઝ ક્વોલિટી ઓફ લાઈફ સ્ટડીમાં 2787 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તે તમામ કિડનીની લાંબી બીમારીથી પીડિત હતા. આ અભ્યાસમાં ભાગ લેનારા 98 ટકા લોકોએ ઓછામાં ઓછા એક લક્ષણનો અનુભવ કર્યો હતો. 24 ટકાએ છાતીમાં અસ્વસ્થતા અને 83 ટકાએ થાકનો અનુભવ કર્યો.
તેમાંથી 690 લોકોએ કિડની રિપ્લેસમેન્ટ થેરાપી (KRT) શરૂ કરી હતી, પરંતુ તેમાંથી 490 સહભાગીઓ કેઆરટી પહેલા મૃત્યુ પામ્યા હતા. આ લોકોએ સમયસર કિડનીની ગંભીર સમસ્યા પર ધ્યાન આપ્યું ન હતું. તબીબોનું કહેવું છે કે જ્યારે કિડનીની બીમારીના લક્ષણો ગંભીર બને છે ત્યારે દર્દી ક્રોનિક કિડની ડિસીઝનો શિકાર બને છે. આવા કિસ્સાઓમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે.
કિડનીની બીમારીનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી
હેલ્થ એક્સપર્ટના કહે છે કે, પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ક્રોનિક કિડની ડિસીઝ થતો હતો, પરંતુ આજકાલ નાની ઉંમરના લોકો પણ આ બીમારીનો શિકાર બની રહ્યા છે. કિડની રોગના લક્ષણો શરૂઆતમાં શરીરમાં દેખાય છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. ક્યારેક ચેપને કારણે કિડનીને નુકસાન થાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીને ડાયાલિસિસ સપોર્ટની જરૂર પડે છે.
કિડનીની બીમારીને કેવી રીતે ઓળખશો…
ડોકટરોના જણાવ્યા અનુસાર, કિડનીમાં ચેપ કે બીમારી છે કે નહીં માત્ર યુરિન એટલે કે પેશાબ મારફતે સરળતાથી જાણી શકાય છે. કિડનીની બીમારીના લક્ષણો…
- પેશાબ કરતી વખતે બળતરા થવી
- પેશાબ કરતી વખતે પેટમાં દુખાવો
- દુર્ગંધયુક્ત પેશાબ
- ભૂખ ન લાગવી
- સવારે ઉઠીને ઉલટી થવી
- પેશાબમાંથી લોહી પડવું