Inflation In Modi Government Report Card Of 10 Years : લોકસભા ચૂંટણી 2024માં ભલે પાછલી ચૂંટણીની સરખામણીમાં મોંઘવારી મુદ્દે વધારે ચર્ચા નથી, પરંતુ તે ચૂંટણીનો મહત્વનો મુદ્દો જરૂરથી બની રહેશે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણી (જેને પાર્ટીએ સંકલ્પ પત્ર કહ્યું હતું) માટે પોતાના ઘોષણાપત્રમાં મોંઘવારીનો ઉલ્લેખ કર્યો હતો અને તે નીચે લાવવા માટે અનેક વચનો આપ્યા હતા.
2014ના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ફુગાવાને તાત્કાલિક પડકારોમાં પ્રથમ સ્થાન આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભાજપ (અથવા એનડીએ) સત્તા પર આવશે તો તેનું તાત્કાલિક કાર્ય ફુગાવા પર લગામ લગાવવાનું રહેશે અને આ માટે આ પગલાં લેવામાં આવશે:
- સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવવા માટે મુખ્ય પગલાં લેવા તથા વિશેષ અદાલતોની સ્થાપના કરવી
- પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ બનાવવું
- ભારતીય ખાદ્ય ઉદ્યોગની ક્ષમતા વધારવા માટે ખરીદી, સંગ્રહ અને વિતરણને અલગ – અલગ કરવું
- સિંગલ નેશનલ એગ્રિકલ્ચરલ માર્કેટનું નિર્માણ
- લોકોની ખાણી પીણીની ટેવ સાથે સંબંધિત પાક અને શાકભાજીના વિસ્તારને પ્રોત્સાહન આપવું અને તેને ટેકો આપવો
આ વચનનો અમલ તો મિશ્રિત હતો, પરંતુ ફુગાવાને ઘટાડવાનો મૂળભૂત ઉદ્દેશ કેટલો સિદ્ધ થયો? આંકડાની દ્રષ્ટિએ સમજો કે ફુગાવો કેટલો નિયંત્રણમાં રહ્યો છે? મોંઘવારી દરના આ આંકડા મુજબ મોંઘવારી દર દસ વર્ષમાં લગભગ અડધા સુધી આવી ગયો છે. જુઓ કોષ્ટક :
| વર્ષ | સરેરાશફુગાવાનોદર | વાર્ષિક ફેરફાર |
|---|---|---|
| 2023 | 5.69%(ડિસેમ્બર 2023) | -1.6% |
| 2022 | 6.7% | +1.57% |
| 2021 | 5.13% | -1.49% |
| 2020 | 6.62% | +2.89% |
| 2019 | 3.73% | -0.21% |
| 2018 | 3.94% | +0.61% |
| 2017 | 3.33% | -1.62% |
| 2016 | 4.95% | 0.04% |
| 2015 | 4.91% | -1.76% |
| 2014 | 6.67% | -3.35% |
| 2013 | 10.02% | 0.54% |
આ તો સરકારી આંકડો છે, પરંતુ તમારા માટે તેનો શું અર્થ છે? મોંઘવારી મોરચે સરકારની કામગીરીનું મૂલ્યાંકન અન્ય બીજી રીતે કરી શકાય છે. તમે તમારી પોતાની આર્થિક પરિસ્થિતિથી પણ તેનું મૂલ્યાંકન કરી શકો છો. ફુગાવાની તુલનામાં તમારી આવકમાં કેટલો વધારો થયો છે?
આ છે ફોર્મ્યુલા
જો વાર્ષિક મોંઘવારી દર ચાર ટકા વધી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે તમે જે સામાન સો રૂપિયામાં ખરીદતા હતા, તમે પ્રથમ વર્ષે 104 રૂપિયા, બીજા વર્ષે 108 રૂપિયા અને આ જ ક્રમમાં ઉંચી કિંમતે સામાન ખરીદી શકશો. આ ગતિથી પાંચમા વર્ષે કિંમત 122 રૂપિયા સુધી પહોંચી જશે.

આંકડા શું કહે છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં કિંમતોમાં 24 ટકાનો વધારો થયો હતો. તેમના બીજા કાર્યકાળમાં 32 ટકા મોંઘવારી દર વધ્યો છે. 10 વર્ષના સમયગાળા દરમિયાન ભાવ વધારાનો સામાન્ય દર 6.4 ટકા હતો. પાંચ કે દસ વર્ષ પહેલાંની તમારી પરિસ્થિતિ પરથી તમે આ ફુગાવાનો સામનો કરતી વખતે તમારી આર્થિક સ્થિતિ કેવી હતી તેનું મૂલ્યાંકન કરી શકો છો.
તમે તમારી વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?
2019માં તમારી આવક જે હતી, તેમા હાલ 32 ટકાનો વધારો થયો છે? કે 2014ની તુલામાં 64 ટકા આવક વધી છે? જો હાં, તો તમે આર્થિક મોરચે મોંઘવારીને પછાડી દીધી છે.
હવે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ (સરેરાશ છૂટક ભાવ)ના આધારે ફુગાવાના બદલાયેલા સ્વરૂપનો અંદાજ લગાવો. આ આંકડા સરકાર (ગ્રાહક બાબતોના મંત્રાલય) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કોષ્ટક જુઓ:
| જરૂરી ચીજવસ્તુઓ (ટકામાં) | 2019 (એપ્રિલ-જૂન) | 2021 (એપ્રિલ-જુલાઈ) | 2022 (એપ્રિલ-જુલાઈ) | 2023 (એપ્રિલ-જુલાઈ) |
|---|---|---|---|---|
| ચોખા | 30.93 | 36.0 | 36.2 | 39.7 |
| ઘઉં | 26.18 | 26.6 | 29.5 | 31.6 |
| લોટ | 27.8 | 30.2 | 33.2 | 36.8 |
| ચણા દાળ | 65.54 | 75.9 | 73.8 | 74.1 |
| તુવેરદાળ | 79.36 | 107.1 | 103.0 | 124.1 |
| અડદ દાળ | 73.11 | 108.9 | 104.5 | 110.6 |
| મગ દાળ | 79.07 | 105.7 | 102.3 | 108.8 |
| મસુર દાળ | 62.15 | 85.4 | 96.4 | 92.4 |
| સીંગતેલ | 127.16 | 175.8 | 190.8 | 190.8 |
| સરસવ તેલ | 108.65 | 165.5 | 187.0 | 157.0 |
| વેજિટેબલ તેલ | 80.14 | 129.8 | 161.3 | 131.5 |
| સોયાતેલ | 92.12 | 147.9 | 167.7 | 139.3 |
| સનફ્લાવર તેલ | 99.12 | 168.9 | 186.6 | 154.2 |
| પામતેલ | 75.00 | 129.7 | 149.8 | 111.9 |
| બટાટા | 17.04 | 19.4 | 23.8 | 21.2 |
| ડુંગળી | 17.41 | 25.9 | 24.6 | 23.4 |
| ટમેટા | 31.45 | 21.2 | 40.3 | 46.5 (*) |
| ખાંડ | 38.29 | 39.6 | 41.5 | 42.4 |
| ગોળ | 43.51 | 46.7 | 48.3 | 49.9 |
| દૂધ (લિટર) | 43.32 | 48.8 | 51.6 | 57.2 |
| ચા પત્તી | 212.19 | 276.6 | 284.0 | 275.6 |
| મીઠું (1 પેકેટ) | 15.33 | 18.0 | 19.5 | 22.0 |
આ પણ વાંચો | ગુજરાતી થાળીમાં મોંઘવારીનો વઘાર, ચોખા-દાળના ભાવ 20 ટકા સુધી વધ્યા, નોન વેજ ખાનારને પાર્ટી; વાંચો ખાસ અહેવાલ
તમે જ્યારે બજારમાં જાઓ છો, ત્યારે તમને આ ચીજવસ્તુઓ મળે છે, તમે ગણતરી કરીને પોતાનું મૂલ્યાંકન કરી શકો છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં તમને ઘણી ચીજવસ્તુઓના ભાવ કેટલા વધ્યા તે યાદ હશે. જેમ કે ટામેટા 250 રૂપિયા પ્રતિ કિલો, 1 લિટર પેટ્રોલના ભાવ 100 રૂપિયાને કુદાવી ગયા, એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી ઉપર પહોંચી ગઇ હતી. થોડા મહિના પહેલા આદુ અને લસણના ભાવમાં મોંઘવારી એ માઝા મૂકી હતી, જ્યારે તેના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયા હતા.





