Lok Sabha Election PM Modi Campaign : વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના પ્રચારમાં વ્યસ્ત છે. પાર્ટીના સ્ટાર પ્રચારક હોવાના કારણે તેઓ અલગ-અલગ રાજ્યોમાં જઈને ભાજપ માટે રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. અંજિશ્રુ દાસ અને સુખમની મલિકના પીએમ મોદીના 111 ભાષણોનું વિશ્લેષણ કર્યું છે. આ ભાષણોમાં પીએમ મોદી કયા કયા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે અથવા કેટલી વાર તેમનો ઉલ્લેખ કરી રહ્યા છે. તેના વિશે જાણીએ.
કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પ્રહાર કરવો, વિકાસ, વિશ્વગુરુ અને વિકસિત ભારતના વચનને 2047 સુધી પૂર્ણ કરવું. આ બધા આ વખતે પીએમ મોદીના ભાષણોનો ભાગ રહ્યા નથી. 16 માર્ચે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારથી વડા પ્રધાનના ભાષણોમાંથી આ વિષયો ગાયબ છે. જ્યારે 5 એપ્રિલે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ નિવેદનબાજી હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ, એસસી/એસટી, સંપત્તિની પુન: વહેંચણી અને ધર્મના આધારે અનામત તરફ વળી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 17 માર્ચથી 15 મે દરમિયાન પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા 111 ભાષણોના વિશ્લેષણથી (narendramodi.in પર ઉપલબ્ધ) જાણવા મળે છે કે કેવી રીતે પ્રમુખ વિષયોમાં ફેરફારે તેમની પાર્ટીના પ્રચાર અભિયાનનો ટ્રેક બદલી નાખ્યો છે.
પીએમ મોદી પોતાના ભાષણોમાં કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે?

વડા પ્રધાને તેમના 45 ભાષણોમાં રોજગાર વિશે વાત કરી હતી અને તે સામાન્ય રીતે સરકારી પ્રોજેક્ટ્સ અને યોજનાઓ દ્વારા પેદા થતી નોકરીઓના સંદર્ભમાં હતી. ફુગાવાનો ઉલ્લેખ પાંચ ભાષણોમાં કરવામાં આવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને કેન્દ્રીય યોજનાઓ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવ્યો છે.
17 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન આપેલા ભાષણોમાં કેન્દ્રીય યોજનાઓ પર ફોક્સ
16 માર્ચે ચૂંટણીનું જાહેરનામું અમલમાં આવ્યા પછી અને કોંગ્રેસે 5 એપ્રિલે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો ત્યાં સુધી પીએમ મોદીએ 10 ભાષણો આપ્યા હતા. પીએમ મોદીના ભાષણોમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ પ્રમુખ વિષયો હતા. આ સમયગાળામાં તેમના તમામ 10 ભાષણોમાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતના વધતા જતા વૈશ્વિક કદ અને વિશ્વગુરુ હોવાનો પણ 10 માંથી આઠ ભાષણોમાં પ્રમુખતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષ સામેના હુમલાઓ તમામ 10 ભાષણોમાં રહ્યા હતા જે ભાઈ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર અને કુશાસનના આરોપોની આસપાસ ફરતા હતા.
આ પણ વાંચો – પીએમ મોદી ઈન્ટરવ્યૂ : સંવિધાન, અનામત, બેરોજગારી, અદાણી-અંબાણી પર આપ્યા જવાબ
નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં 400ને પારનો લક્ષ્યાંક પણ રાખ્યો હતો. જ્યાં ભાજપ તેના સાથી પક્ષો સાથે મળીને 400થી વધુ લોકસભા બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. આ પહેલા 10 ભાષણોમાં આ લક્ષ્યનો આઠ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 10માંથી 6 ભાષણમાં પીએમ મોદીએ રામ અને રામ મંદિરને ભાજપની ઉપલબ્ધિ ગણાવી હતી.
6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આપેલા ભાષણોમાં કોંગ્રેસના ઢંઢેરા પર મુસ્લિમ લીગની છાપનો મુદ્દો
આ દરમિયાન વડાપ્રધાને 34 ભાષણ આપ્યા હતા, જેમાં કોંગ્રેસના ઘોષણાપત્ર પર સવાલો ઉઠાવ્યા તા. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 5 એપ્રિલે જાહેર કરવામાં આવ્યો હતો. 6 એપ્રિલે રાજસ્થાનના અજમેરમાં પોતાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી ઢંઢેરામાં ‘મુસ્લિમ લીગ’ની છાપ છે. આ સમયગાળામાં નરેન્દ્ર મોદીએ પોતાના 34માંથી 7 ભાષણોમાં કોંગ્રેસ ન્યાય પત્રને મુસ્લિમ લીગનો ઢંઢેરો હોવાનો દાવો કર્યો હતો.
34 માંથી 17 ભાષણોમાં તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ “હિન્દુ વિરોધી” છે. ખાસ કરીને જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ ન લેવા બદલ. આ સમયગાળામાં રામ અને રામ મંદિરનો 26 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સામેના પ્રહારમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો મુખ્ય હતા, 27 ભાષણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમયગાળામાં વિકાસ, કલ્યાણકારી યોજનાઓ અને વિશ્વગુરુ મુખ્ય વિષયો હતા, જેનો ઉલ્લેખ અનુક્રમે 32, 31 અને 19 વખત કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન 400 પારનો નારો ઠંડો પડી ગયો હતો. 34માંથી 13 ભાષણોમાં આ નારાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
21 એપ્રિલથી 15 મે ની વચ્ચે વડા પ્રધાને સંપત્તિના પુન:વિતરણ અને ધર્મના આધારે અનામતની વાત કરી હતી
આ દરમિયાન પીએમ મોદીએ 67 ભાષણ આપ્યા હતા. કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ આ સમયગાળામાં અભિયાનના સૌથી મજબૂત મુદ્દાઓ હતા, જેમાં 67 માંથી 60 ભાષણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ અયોધ્યામાં રામ અને રામ મંદિરનો 43 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીના ભાષણોમાં માત્ર 16 વખત 400 પારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મંગળસૂત્ર અને ઘૂસણખોરોનો ઉલ્લેખ
21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં પીએમ મોદીએ મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો અને પહેલી વાર ઘૂસણખોરોનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના 111 ભાષણોમાં 12 ઘૂસણખોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘણા ભાષણોમાં પીએમ મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે હિન્દુ મહિલાઓને તેમનું મંગળસૂત્ર છીનવી લેવાનું જોખમ હોઈ શકે છે. મંગલસૂત્રનો પ્રથમ ઉલ્લેખ બાંસવાડાના ભાષણમાં હતો. ત્યાર બાદ આ સમયગાળા દરમિયાન 67માંથી 23 ભાષણોમાં મંગળસૂત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
21 એપ્રિલથી 15 મે વચ્ચે 67માંથી 60 ભાષણોમાં હિન્દુ-મુસ્લિમ, કોંગ્રેસની મુસ્લિમ વોટબેંકને ફાયદો પહોંચાડવા માટે સંપત્તિનું વિભાજન, એસસી, એસટી અને ઓબીસી જાતિઓ પાસેથી અનામત છીનવી લેવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષના કુશાસન અને ભ્રષ્ટાચારને ક્રમશ: 63 અને 57 ભાષણમાં ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ આમને ગણાવી ચાર જાતિઓ
ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચાર મુખ્ય જાતિઓ- મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો, ભારતમાં વિકાસને આગળ વધારશે અને આ તેમના પ્રચાર ભાષણોના સતત વિષયો હતા. પીએમ મોદી અવાર નવાર ગરીબોની વાત કરતા હતા. નીતિ આયોગના અંદાજ મુજબ પોતાના 111 ભાષણોમાંથી 84 ભાષણોમાં તેમણે છેલ્લા એક દાયકામાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે પોતાની સરકારના કાર્યનો હવાલો આપ્યો હતો. આ સિવાય 69 અને 56 ભાષણમાં અનુક્રમે ખેડૂતો અને યુવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પીએમના 81 ભાષણોમાં મહિલાઓ સામેલ રહી, જે તાજેતરની ચૂંટણીઓમાં ભાજપનું ફોક્સ છે. મોદીએ ભાજપની મહિલા-કેન્દ્રિત પહેલની વાત કરી હતી, જેમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડરથી લઈને લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામતથી લઈને ડ્રોન દીદી કાર્યક્રમનો સમાવેશ થાય છે.