Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 હવે થોડા મહિનામાં યોજાશે. ચૂંટણી પંચ કોઈપણ દિવસે મતદાનની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે. ભાજપથી લઈને ઇન્ડિયા ગઠબંધન સુધીના નેતાઓ રેલીઓ અને જનસભાઓ કરી રહ્યા છે. પીએમ મોદી પણ ચૂંટણી મોડમાં આવી ગયા છે અને ધુઆધાર રેલી કરી રહ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમને જોવામાં આવે તો વડાપ્રધાન આગામી દસ દિવસમાં 12 રાજ્યોની મુલાકાત લેવાના છે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઇને કેરળનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન પીએમ મોદી અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરીને પાર્ટીની તરફેણમાં માહોલ બનાવવાનો પ્રયાસ કરવાના છે.
હાલમાં જ પીએમ મોદી કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીના કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 દિવસમાં દેશભરના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવાના છે. તેમાં તેઓ29 કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ રાજ્યોની વાત કરીએ તો આ લિસ્ટમાં તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ-કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – પટનાની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું – નરેન્દ્ર મોદી અસલી હિન્દુ નથી
પીએમ મોદી ઘણી જનસભાઓ સંબોધશે
આ કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી 4 થી 7 માર્ચ દરમિયાન તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરવાનો છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી આ દરમિયાન પશ્ચિમ બંગાળના બારાસતમાં પણ એક જનસભાને સંબોધિત કરવાના છે. બંગાળમાં હાલના સમયે સંદેશાખલી વિવાદ હાલમાં મમતા બેનર્જી સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યો છે અને પીએમની આ રેલી સંદેશખાલી પાસે થવાની છે.
10 માર્ચે પીએમ મોદી આઝમગઢમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
10 માર્ચે પીએમ મોદી ઉત્તર પ્રદેશના આઝમગઢમાં વિવિધ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસની સાથે જનતાને સંબોધિત કરવાના છે, જે પૂર્વાંચલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ તેઓ દિલ્હીનાં પુસામાં નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી સાથે સંકળાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપશે અને પછી દ્વારકા એક્સપ્રેસવેનાં હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
12 માર્ચે પીએમ મોદી ગુજરાતમાં સાબરમતી અને રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે અને ત્યારબાદ 13 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ જણાવી રહ્યો છે કે તેઓ પૂરી રીતે ચૂંટણી મોડમાં આવી ગયા છે અને જનસભાઓને સંબોધિત કરીને જનતા વચ્ચે ભાજપ માટે સકારાત્મક માહોલ બનાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છે.





