Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024 પર સૌની નજર છે. દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન સંપન્ન થતાં ગણતરી ચાલી રહી છે. ભાજપના અબકી બાર 400 પાર ના દાવા વચ્ચે કેટલેક અંશે ભાજપની પીછેહઠ દેખાઇ રહી છે તો કોંગ્રેસ સમર્થિત ઇન્ડિયા ગઠબંધન ધાર્યા કરતાં સારુ પ્રદર્શન કરતું દેખાઇ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 પરિણામ વલણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પરષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, કિરણ રિજ્જુ, રાજનાથ સિંહ સહિત નેતાઓની જીત થઇ છે તો બીજી તરફ ભાજપ દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની, જમ્મુ કાશ્મીર પૂર્વ સીએમ મહેબુબા મુફ્તી સહિત નેતાઓ હાર્યા છે.
નરેન્દ્ર મોદી વારાણસી બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યા છે. મોદી સામે કોંગ્રેસ ઉમેદવાર અજય રાય ચૂંટણી મેદાનમાં છે. જે ગત ચૂંટણી 2029 માં પણ મોદી સામે ચૂંટણી લડ્યા હતા. વારાણસી બેઠક પર ચૂંટણી 2019 માં નરેન્દ્ર મોદી વિજેતા બન્યા હતા. એ વખતે નરેન્દ્ર મોદીને 63 ટકા એટલે કે 6,74,664 મત મળ્યા હતા. જ્યારે રનર અપ સમાજવાદી પાર્ટીના શાલિની યાદવને 1,95,159 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ને 1,52,548 મત મળ્યા હતા.
અમિત શાહ ગાંધીનગર બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024
ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યા છે. અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલ ફાઇટ આપી રહ્યા છે. અમિત શાહ આ બેઠક પરથી ગત ચૂંટણીમાં 5.56 લાખની મત સરસાઇથી લોકસભા જંગ જીત્યા હતા. આ વખતે પણ અમિત શાહ જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે લોકસભા ચૂંટણી 2024 જંગમાં મત માર્જીન વધે છે કે ઘટે છે.