2024 vs 2019 LS Poll : લોકસભા ચૂંટણી પરિણામ 2024 vs 2019 ઝોન વાઇઝ સમીક્ષા કરીએ તો ઉત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટું નુકસાન ગયું છે. ઉત્તર ભારતમાં ભાજપે 56 બેઠકો ગુમાવી છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસની 21 બેઠકો વધી છે. દેશના પાંચેય ઝોનની વાત કરીએ ભાજપની કુલ 63 બેઠકો ઘટી છે જ્યારે કોંગ્રેસને 47 બેઠકો વધુ મળી છે. આવો જાણીએ ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પશ્વિમ ભારત અને મધ્ય ભારતમાં ભાજપ અને કોંગ્રેસ કેવી સ્થિતિમાં છે.
લોકસભા ચૂંટણી 2024 પરિણામ ભાજપ કોંગ્રેસ બંને માટે મનોમંથન કરાવનાર છે. દેશના પાંચ ઝોનમાં ભાજપ કોંગ્રેસને ક્યાં ફાયદો થયો ક્યાં બેઠકો ઘટી એ બંને પક્ષો માટે અસંમજ જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડા પાડ્યા છે.
ઉત્તર ભારત 205 બેઠક : ભાજપ ઉંધા માથે પટકાયું
ઉત્તર ભારત ઝોનમાં જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મત વિસ્તારનો સમાવેશ થાય છે. લોકસભાની કૂલ 543 બેઠક પૈકી ઉત્તર ભારત ઝોનમાં 205 બેઠક આવે છે. લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં 205 પૈકી ભાજપને 90 બેઠક, કોંગ્રેસને 32 અને અન્યને 83 બેઠક મળી છે.

લોકસભા ચૂંટણી 2019 પરિણામ ચકાસીઓ તો ઉત્તર ભારતની 205 પૈકી ભાજપ 146 બેઠક પર વિજયી થયું હતું. જ્યારે કોંગ્રેસને માત્ર 11 બેઠકો જ મળી હતી અને અન્યોની 48 બેઠકો પર જીત થઇ હતી. બંને પરિણામની સરખામણી કરીએ તો આ વખતે ઉત્તર ભારતમાં ભાજપ ઉંધે માથે પટકાયું છે. જ્યારે કોંગ્રેસની બેઠકોમાં ત્રણ ગણો વધારો થયો છે.
દક્ષિણ ભારત 132 બેઠક : કોંગ્રેસ ફાયદામાં

લોકસભા ચૂંટણીમાં દક્ષિણ ભારત ઝોનમાં તમિલનાડુ, કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન અને નિકોબાર સહિત આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 132 બેઠકો આવે છે. લોકસભા ચૂંટણી 2019 માં અહીં ભાજપ અને કોંગ્રેસ બંને મોટી રાજકીય પાર્ટીઓને 29 – 29 બેઠક મળી હતી. જોકે લોકસભા ચૂંટણી 2024 માં આ સ્થિતિ બદલાઇ છે. ભાજપને માત્ર 30 બેઠકો જ મળી છે જ્યારે કોંગ્રેસની 42 બેઠક પર જીત થઇ છે. આમ જોતાં લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં દક્ષિણ ભારતમાં કોંગ્રેસને મોટો લાબ થયો છે.
પશ્વિમ ભારત 78 બેઠક : ભાજપ કપાયું

ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા ત્રણ રાજ્ય તેમજ દાદરા નગર હવેલી અને દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશને સમાવતા પશ્વિમ ભારત ઝોનમાં લોકસભાની 78 બેઠકોનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં ભાજપને નુકસાન થયું છે તો સામે પક્ષે કોંગ્રેસને ફાયદો થયો છે. લોકસભા ચૂંટણી 2024 માં 78 પૈકી ભાજપ 36 બેઠક પર જીત્યું છે જ્યારે કોંગ્રેસ 15 બેઠકો તેમજ અન્યોની 27 બેઠક પર જીત થઇ છે. લોકસભા ચૂંટણી 2019 માં ભાજપને 51 બેઠકો મળી હતી જ્યારે દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસને માત્ર 2 બેઠકો જ મળી હતી અને અન્યોને 25 બેઠકો મળી હતી.
પૂર્વ ભારત 88 બેઠક : ભાજપ કોંગ્રેસ ફાયદામાં

લોકસભા ચૂંટણી પૂર્વ ભારત મત વિસ્તારના પશ્વિમ બંગાળ, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ અને નાગાલેન્ડ મળી 10 રાજ્યોનો સમાવેશ થાય છે. ભાજપને અહીં ફાયદો થયો છે. લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ 45 બેઠકો પર વિજયી બન્યું અને કોંગ્રેસ નવ બેઠકો પર જીતી શક્યું છે અને અન્યોને 34 બેઠકો મળી છે. લોકસભા ચૂંટણી 2019 પરિણામ ચકાસીએ તો 88 પૈકી ભાજપનો 40 બેઠકો પર વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર સાત બેઠકો જ મળી હતી અને અન્યોને 41 બેઠક મળી હતી.
મધ્ય ભારત 40 બેઠક : ભાજપનો દબદબો

મધ્ય ભારત મત વિસ્તારમાં મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની 40 બેઠકોનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી 2024 માં ભાજપની 39 બેઠક પર જીત થઇ છે. જે ગત ચૂંટણીની સરખામણીએ બે બેઠકોનો વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં ભાજપે ક્લિન સ્વીપ કર્યું છે અને તમામે તમામ 29 બેઠકો પર કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસને મધ્ય ભારત ઝોનમાં 2 બેઠકનું નુકસાન થયું છે. આ વર્ષે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. વર્ષ 2019 માં 3 બેઠક મળી હતી