Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. શિવસેના (યુબીટી)એ શનિવારે અમોલ કિર્તિકરને મુંબઈની ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમને આ વાતે નારાજગી વ્યક્ત કરી છે.
અમોલ કિર્તીકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવાર
સંજય નિરુપમે અમોલ કીર્તિકરને ઉમેદવાર જાહેર કરતા શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવ્યા છે. સંજય નિરુપમે જણાવ્યું હતું કે શિવસેના (યુબીટી)એ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે બેઠકોની વહેંચણી અંગે હજુ નિર્ણય લેવાયો નથી. સંજય નિરુપમે કહ્યું કે 8 થી 9 બેઠકો પેન્ડિંગ છે અને તેમાંથી એક બેઠક આ પણ છે. આ ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન છે.
સંજય નિરુપમે ઉમેદવાર પર અનેક આરોપ લગાવ્યા
સંજય નિરુપમ આટલેથી જ અટક્યા નહીં. ઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર પર પણ તેમણે અનેક આરોપ લગાવ્યા હતા. સંજય નિરુપમે કહ્યું કે કોંગ્રેસને બદનામ કરવા માટે જાણી જોઈને આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ એ ઉમેદવારના નામની જાહેરાત કરી છે તે કોણ છે? તે ખીચડી સ્કેમનો કૌભાંડી છે. તેણે ખીચડીના સપ્લાયર પાસેથી ચેકમાં લાંચ લીધી હતી.
આ પણ વાંચો – કોંગ્રેસને બંગાળમાં આંચકો, ટીએમસી તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે
સંજય નિરુપમે જણાવ્યું હતું કે કોવિડના સમય દરમિયાન બીએમસી દ્વારા સ્થળાંતર મજૂરોને મફત ખોરાક પૂરો પાડવામાં આવ્યો હતો. આ એક પ્રશંસનીય કાર્યક્રમ હતો પરંતુ ગરીબોના ભોજનમાંથી પણ શિવસેનાના ઉમેદવારે કમિશન ખાધું છે અને ઇડી આ કેસની તપાસ કરી રહી છે. શું કોંગ્રેસ અને શિવસેનાના કાર્યકરો આવા કૌભાંડી ઉમેદવાર માટે પ્રચાર કરશે? બંને પક્ષોના નેતૃત્વને આ મારો પ્રશ્ન છે.
અમોલ કિર્તિકરના પિતા ગજાનન કિર્તિકર વર્તમાન સાંસદ છે
અમોલ કિર્તિકરના પિતા ગજાનન કિર્તિકર ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી હાલના સાંસદ છે. ગજાનન કિર્તિકર હાલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સંજય નિરૂપમે નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. શિવસેનાના ઉમેદવાર ગજાનન કિર્તિકરે સંજય નિરુપમને 2,60,000થી વધુ મતોથી હરાવ્યા હતા.