Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના અભિયાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝમગઢથી યુપી સહિત દેશના સાત રાજ્યોને 34,676 કરોડ રૂપિયાની 782 વિકાસ યોજનાઓની ભેટ આપી હતી. આ દરમિયાન સીએમ યોગી સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ આઝમગઢ અને પૂર્વાંચલના લોકોને રાજા સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટી અને મંદુરી એરપોર્ટ સહિત અનેક પ્રોજેક્ટ્સની ભેટ આપી છે.
પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે આઝમગઢનો સિતારો ચમકી રહ્યો છે. આ દરમિયાન તેમણે પરિવારવાદને લઈને વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમારો આ પ્રેમ અને આઝમગઢનો આ વિકાસ જાતિવાદ, પરિવારવાદ અને વોટબેંક પર આધારિત ઇન્ડી ગઠબંધનની ઊંઘ હરામ કરી રહ્યો છે.
પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો
-પીએમ મોદીએ કહ્યું કે આજે અહીંથી માત્ર આઝમગઢ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે. આજે આઝમગઢથી ઘણા રાજ્યોમાં લગભગ 34 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે
-અનંતકાળ સુધી આ વિકાસનો ગઢ બન્યો રહેશે તે મોદીની ગેરંટી છે. આજે આઝમગઢમાં એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. અહીંથી લઈને વિદેશ સુધી જે પણ આઝમગઢના છે તે દરેક લોકો આજે ખૂબ જ ખુશ થતા હશે.
-તમારો આ પ્રેમ અને આઝમગઢનો આ વિકાસ જાતિવાદ, પરિવારવાદ અને વોટબેંકના ભરોસે બેસેલા ઇન્ડી ગઠબંધનની ઊંઘ ઉડાડી રહ્યો છે. અહીંના લોકોએ માફિયાઓનું રાજ જોયું છે, આજે અહીંના લોકો કાયદો પણ જોઈ રહ્યા છે.
-પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણીની મોસમમાં પહેલા શું થતું હતું. અગાઉની સરકારોમાં બેઠેલા લોકો જનતાની આંખમાં ધૂળ નાખવા માટે જાહેરાતો કરી દેતા હતા. ક્યારેક-ક્યારેક તેમની હિંમત એટલી હતી કે સંસદમાં રેલવેની નવી-નવી યોજનાઓ જાહેર કરી દેતા હતા અને પછી કોઈ પૂછનાર ન હતું.
-2024માં કરવામાં આવી રહેલા શિલાન્યાસને કોઇ ચૂંટણીના ચશ્માથી ના જુએ, આ વિકાસ માટે મારી અવિરત યાત્રાનું પરિણામ છે.
આ પણ વાંચો – ઠાકરેએ મુંબઈની ઉત્તર-પશ્ચિમ લોકસભાથી ઉમેદવારની જાહેરાત કરી, કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ઉઠાવ્યા સવાલ
-પીએમ મોદીએ કહ્યું કે હું દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે ઝડપી ગતિએ દોડી રહ્યો છું અને દેશને ઝડપી ગતિએ ચલાવી રહ્યો છું.
-આજે ખેડૂતોને એમએસપી આપવામાં આવી રહી છે જે પહેલા કરતા અનેકગણી વધી ગઈ છે. આ વર્ષે શેરડીના ખેડુતો માટે વળતરની કિંમતમાં પણ 8%નો વધારો કરવામાં આવ્યો છે. હવે શેરડીનો લાભકારી ભાવ 315 રૂપિયાથી વધીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે.
-પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ જેમ-જેમ વિકાસની ઊંચાઇ પર પહોંચી રહ્યું છે, તૃષ્ટીકરણનું ઝેર પણ નબળું પડી રહ્યું છે. ગત ચૂંટણીમાં આઝમગઢની જનતાએ એ પણ બતાવી દીધું હતું કે પરિવારના લોકો જ્યાં પોતાનો ગઢ ગણતા હતા તે પણ તુટી ગયો છે.
-પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીની ઓળખ રેકોર્ડ માત્રામાં આવી રહેલા રોકાણથી થઈ રહી છે. એક્સપ્રેસવે અને હાઇવેથી થઇ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડબલ એન્જિનની સરકારે રાજ્યમાં લાખો કરોડના વિકાસના કામો કરાવ્યા છે. આનાથી માત્ર યુપીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર થયો નથી, પરંતુ યુવાનો માટે લાખો નવી તકો પણ ઊભી થઈ છે.
-પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રગતિથી નારાજ કેટલાક લોકો કહે છે કે ચૂંટણી પહેલા આટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રાજકીય લાલચ છે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે પહેલા શું થતું હતું, નેતાઓ ચૂંટણી પહેલા યોજનાઓની જાહેરાત કરતા હતા પરંતુ તેને પૂર્ણ કરતા ન હતા. આજે દેશ જોઈ રહ્યો છે કે મેં જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે તેનું ઉદ્ઘાટન પણ મારા હાથે થયું છે.