Lok shabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના ધારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ ચૂંટણીમાં વિપક્ષ સંપૂર્ણ પણે ખતમ થવાના અણી પર પહોંચી ગયો છે. લોકોએ તેમને નકારી દીધા છે કારણ કે તેમની પાસે કોઈ એજન્ડા નથી. પીએમે કહ્યું કે 4 જૂનને એક મહિનો પણ બાકી નથી. ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પહેલા તબક્કામાં વિપક્ષો પસ્ત પડી ગયા, બીજા તબક્કામાં વિપક્ષ ધ્વસ્ત થઈ ગયો અને ત્રીજા તબક્કા બાદ જે થોડા-થોડા તારા જોવા મળે છે તે પણ અસ્ત થઈ જશે. કારણ કે આખા દેશે નક્કી કરી લીધું છે કે ફરી એકવાર મોદી સરકાર.
પરિવારના મહિમામંડન માટે કોંગ્રેસે ખોટો ઈતિહાસ લખ્યો
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ બાબા સાહેબને નફરત કરે છે, આ નફરતમાં હવે કોંગ્રેસે વધુ એક ચાલ ચાલી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે બાબા સાહેબને બંધારણ ઘડવાનો શ્રેય ન મળવો જોઈએ. કોંગ્રેસે કહેવાનું શરૂ કર્યું છે કે સંવિધાન બનાવવામાં બાબા સાહેબનો ફાળો ઓછો હતો, બંધારણ બનાવવામાં નેહરુજીએ સૌથી મોટો ભાગ ભજવ્યો હતો. આ પરિવારવાદીઓએ પહેલા દેશના ઇતિહાસને તોડ્યો-મરોડ્યો, સ્વતંત્રતાના મહાન સપૂતોને ભૂલાવી દીધા. આ પરિવારવાદીઓએ પોતાનો મહિમા વધારવા માટે ખોટો ઇતિહાસ લખ્યો હતો અને હવે તેઓએ બંધારણ વિશે પણ જુઠ્ઠાણું રચવાનું શરૂ કર્યું છે.
પ્રધાનમંત્રીએ ખરગોનમાં કહ્યું – કોંગ્રેસનો ઇરાદો ખતરનાક છે
આ પહેલા ખરગોનમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદી કહ્યું હતું કે એ લોકોએ નક્કી કરવાનું રહેશે કે દેશ વોટ જેહાદ થી ચાલશે કે રામ રાજ્યથી. તેમણે વિપક્ષી કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે તેના ઇરાદા ખૂબ જ ખતરનાક છે અને તે તેમની વિરુદ્ધ વોટ જેહાદનું આહ્વાન કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત ઇતિહાસના નિર્ણાયક તબક્કે છે, તમારે નક્કી કરવાનું છે કે દેશ વોટ જેહાદથી ચાલશે કે રામ રાજ્યથી.
આ પણ વાંચો – પીએમ મોદી મતદાન પહેલા કોને પગે લાગ્યા? પ્રોટોકોલ તોડી દિવ્યાંગ યુવતીની વાત સાંભળી
તેમણે કહ્યું કે વિપક્ષના ઇન્ડી ગઠબંધનના સહયોગીઓને લોકોના ભાગ્યની ચિંતા નથી. તેઓ પોતાના પરિવારને બચાવવા માટે ચૂંટણી લડી રહ્યા છે. પોતાના રાજકીય વિરોધીઓ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે જેવા તેમણે વિપક્ષના એજન્ડાને ખુલ્લો પાડ્યો કે તરત જ વિપક્ષે તેમની સામે પોતાનો આખો ગાળોનો શબ્દકોશ ખાલી કરી દીધો છે.
સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે તમારા મતથી ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી છે, કલમ 370 હટાવી દીધી છે, એક આદિવાસી મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા છે અને તમારા મતથી ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તમારા મતથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.





