loksabha election 2024 : બિહારમાં ચિરાગ પાસવાન સાથે ભાજપની સીટ શેરિંગ ફાઇનલ થઇ ગઇ છે. રિપોર્ટ્સ મુજબ ચિરાગની પાર્ટીને ચાર સીટો મળી શકે છે. અત્યાર સુધી એવા અહેવાલો હતા કે ચિરાગ આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઇ શકે છે. પરંતુ એ શક્યતાને બળ મળે એ પહેલાં જ ભાજપે બેઠક યોજીને પરિસ્થિતિ સંભાળી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે બિહારની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે.
ચિરાગની પાર્ટીને 4 બેઠકો આપવાની સંમતિ સધાઈ
આ ફોર્મ્યુલા હેઠળ જેડીયુને 16 બેઠકો, માંઝી અને કુશવાહાની પાર્ટીને એક-એક બેઠક અને ચિરાગની પાર્ટીને 4 બેઠકો આપવાની સંમતિ સધાઈ છે. અન્ય 18 બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યોગ્ય સમયે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આમ જોવા જઈએ તો ચિરાગ પાસવાને પોતે સામે આવીને કહ્યું છે કે ભાજપ સાથે બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ છે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે હું પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આજે એનડીએ સાથેનું અમારું જૂનું ગઠબંધન ફરી મજબૂત થયું છે. લોકસભાની ચૂંટણીને લઇને સીટોની વહેંચણી થઈ ગઈ છે અને ગઠબંધનનું સ્વરૂપ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ પ્રસંગે હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું.
આ પણ વાંચો – કોંગ્રેસની નારી ન્યાય ગેરંટી યોજના શું છે? નોકરીમાં અનામત, 1 લાખની આર્થિક સહાય સહિત આ 5 મુદ્દા પર જાહેરાત
બિહારમાં 40 લોકસભા સીટો છે
જાણકારી માટે જણાવી દઈએ કે બિહારમાંથી 40 લોકસભા સીટો છે. નીતિશ કુમારે જ્યારથી એનડીએ સાથે પાછા ફર્યા છે ત્યારથી જમીન પર અનેક સમીકરણો બદલાયા છે. આ કારણે બિહારમાં ઇન્ડિયા ગઠબંધન માટે વધુ પડકારો છે. હવે ચિરાગ પણ પક્ષ બદલવાનો નથી ત્યારે ભાજપ તેના માટે રાહતના સમાચાર માની રહી છે. હાજીપુર બેઠક અંગે ચિરાગ અને કાકા પશુપતિ પારસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, હવે તેનું સમાધાન પણ મળી ગયું હોવાનું મનાય છે.
ચિરાગ પહેલેથી જ ઇચ્છે છે કે ભાવનાત્મક સંબંધોને કારણે હાજીપુરની સીટ તેને આપવામાં આવે, તે પોતાની માતાને ત્યાંથી મેદાનમાં ઉતારવા માંગે છે. બીજી તરફ પશુપતિ પારસ તે બેઠક પરથી પોતાનો હક છોડવા તૈયાર નથી, તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે તેઓ ફરી ચિરાગની પાર્ટીમાં જોડાશે નહીં. આ કારણથી બિહારમાં ભાજપની સીટોની વહેંચણી અટવાઇ ગઇ હતી. પરંતુ હવે જ્યારે જેપી નડ્ડા સાથે બેઠક થઈ છે, ત્યારે આ બધી બાબતો પાટા પર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.