મનોજ સી જી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે અનુસૂચિત જાતિ (એસસી)ને હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને તેમના પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ બંને વ્યક્તિઓનું અપમાન કરવામાં આવ્યું હતું કારણ કે તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયોના હતા.
તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભમાં દ્રોપદી મુર્મૂને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે રામનાથ કોવિંદને નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ઈન્ડિયન એક્સપ્રેસ આઈડિયા એક્સચેન્જ કાર્યક્રમમાં બોલતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ આરોપનું ખંડન કર્યું કે કોંગ્રેસ રાજકીય મજબૂરીઓના કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી દૂર રહી હતી. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિઓને હજુ પણ ઘણાં મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી, અને જો હું (અયોધ્યા) ગયો હોત, તો શું તેઓ તે સહન કરી શક્યા હોત?
પીએમ મોદીના ‘400 પાર’ના નારા ઉપર કટાક્ષ કર્યો
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના ‘400 પાર’ના નારા ઉપર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું સપનું પૂરું નહીં થાય કારણ કે લોકો પરિવર્તન ઇચ્છે છે. ભાજપના નેતાઓ પહેલેથી જ બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી રહ્યા છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : તમારી પાસે વોટર કાર્ડ નથી? તો આ 12 ડોક્યુમેન્ટ વડે પણ મતદાન કરી શકાય છે
રામ મંદિર સાથે જોડાયેલા સવાલ પર ખડગેએ કહ્યું કે આ વ્યક્તિગત આસ્થા છે
રામ મંદિર સાથે જોડાયેલા સવાલ પર ખડગેએ કહ્યું કે આ વ્યક્તિગત આસ્થા છે. જેને પણ ઇચ્છા હોય તે તે દિવસે અથવા બીજા દિવસે અથવા કોઈપણ દિવસે જઈ શકે છે. તેઓ (મોદી) પૂજારી નથી. શું તે કોઈ રાજકીય સમારોહ હતો કે ધાર્મિક સમારોહ? તમે ધર્મને રાજકારણ સાથે શા માટે ભેળવી રહ્યા છો?
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મારા જેવા લોકોને આજે પણ તમામ મંદિરોમાં જવાની મંજૂરી નથી. રામ મંદિર છોડો, ગમે ત્યાં જાવ, પ્રવેશ માટે મારામારી છે. ગામમાં નાના-નાના મંદિરો છે, તેમને ત્યાં જવાની મંજૂરી નથી. તમે પીવાનું પાણી આપતા નથી, તમે શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપતા નથી, ઘોડા પર બેસીને લગ્નનો વરઘોડો કાઢનારા વરરાજાને પણ તમે સહન કરતા નથી. લોકો તેમને ખેંચીને માર મારે છે. જો હું ગયો હોત, તો શું તેઓ એ સહન કરી શક્યા હોત?