Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે બુધવારને 20 નવેમ્બરે મતદાન યોજાશે. રાજ્યની તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ દિવસે મતદાન યોજાશે. મહારાષ્ટ્ર સિવાય ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે. બન્ને રાજ્યોમાં મતગણતરી 23 નવેમ્બરે થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાનના દિવસે મુંબઈ અને રાજ્યના અન્ય શહેરોમાં ડ્રાય ડે રહેશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ (એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપી) અને એમવીએ (ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. મહાયુતિ ગઠબંધન સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન શાસક સરકારને હાંકી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કોણ કેટલી બેઠક પર ચૂંટણી લડશે
મહાયુતિમાં ભાજપ 143 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે) 81 બેઠકો પર, NCP (અજિત પવાર) 59 બેઠકો પર અને અન્ય સાથી પક્ષો છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એમવીએમાંથી કોંગ્રેસ 101 સીટો પર, શિવસેના (ઉદ્ધવ) 95 અને એનસીપી (શરદ પવાર) 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય સાથી પક્ષો 6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કેટલા છે મતદારો
મહારાષ્ટ્રમાં નોંધાયેલા મતદારોની વાત કરીએ તો આ સંખ્યા વધીને 9,63,69,410 થઈ ગઈ છે, જે 2019માં 8,94,46,211 હતી. મહારાષ્ટ્રમાં આ વખતે 1,00,186 મતદાન મથકો હશે. જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 96, 654 મતદાન મથકો હતા. મતદારોની સંખ્યા વધવાને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આશરે છ લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો – ભાજપ નેતા વિનોદ તાવડેનો કથિત પૈસા વહેંચવાનો વીડિયો વાયરલ થતા રાજનીતિક બબાલ
2019ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. આ વર્ષે 4,136 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 2019માં 3,239 ઉમેદવારો ચૂંટણી લડી હતી. આ ઉમેદવારોમાંથી 2086 અપક્ષ છે.
શેર બજારમાં રજા રહેશે
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) 20 નવેમ્બરે બંધ રહેશે. એટલે કે, શેર, ડેરિવેટિવ્ઝ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ ઋણ (એસએલબી) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. જણાવી દઈએ કે ચૂંટણી સાથે જોડાયેલા પ્રતિબંધોને જોતા શેર બજારમાં રજા રાખવામાં આવી છે.
ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. બુધવારે 14,218 બૂથ પર 1.23 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વિધાનસભા બેઠકો માટે 14,218 બૂથ બનાવવામાં આવ્યા છે.





