Former PM Dr Manmohan Singh Passes Away : 2004ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનવાની તક મળી હતી પરંતુ તેમણે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. સોનિયા ગાંધીના આ નિર્ણય પર લોકોને આશ્ચર્ય થયું કારણ કે ત્યારે પ્રણવ મુખર્જી જેવા વરિષ્ઠ નેતાઓ પણ વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા રાખતા હતા.
મનમોહન સિંહ 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. 1991માં પી વી નરસિંહરાવ સરકારમાં નાણામંત્રી તરીકે તેમણે આર્થિક સુધારા દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપ્યું હતું. 26 ડિસેમ્બરની રાત્રે તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સોનિયા ગાંધીએ શું કહ્યું હતું
જોકે 2004 બાદ લાંબા સમયથી લોકોના મનમાં આ સવાલ ઉભો થયો કે સોનિયા ગાંધીએ આ પદ માટે મનમોહન સિંહનું નામ કેમ પસંદ કર્યું? માર્ચ 2014માં મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સોનિયા ગાંધીએ આ અંગે ચુપ્પી તોડી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું મારી મર્યાદાઓ જાણતી હતી. હું જાણતી હતી કે મનમોહન સિંહ વધુ સારા વડા પ્રધાન બનશે.
સોનિયા ગાંધીએ જ્યારે વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો ત્યારે સવાલ ઉભા થયા કે શું તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે વિપક્ષી નેતાઓએ તેમના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો 1991માં રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો શું મનમોહન સિંહ વડાપ્રધાન હોત? શું કોંગ્રેસમાં કોઈ મતભેદ હતો? પરંતુ સોનિયા ગાંધીએ આવા તમામ પ્રશ્નોને બાજુએ મૂકીને પોતાના અંતરાત્માની અવાજ અને મનમોહન સિંહ પર વિશ્વાસ રાખ્યો હતો.
આ પણ વાંચો – રાષ્ટ્રીય શોક એટલે શું? આ જાહેર થવા પર શું શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહે છે? જાણો
ભાજપે કૌભાંડો પર કર્યા હતા પ્રહાર
ડો.મનમોહન સિંહનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ અનેક સિદ્ધિઓ માટે જાણીતો છે ત્યારે તેમના કાર્યકાળમાં કૌભાંડોના અહેવાલો પણ જોવા મળ્યા હતા અને તેના કારણે કોંગ્રેસ અને યુપીએ સરકારને ભાજપ તરફથી ટીકાઓ અને હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભાજપે મનમોહન સિંહને કઠપૂતળી વડાપ્રધાન ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમને મૌની બાબા પણ કહેવામાં આવતા હતા.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે મનમોહન સિંહ એક એક્સીડેંટલ વડા પ્રધાન હતા. વર્ષ 2014માં વડાપ્રધાન તરીકેના પોતાના બીજા કાર્યકાળના અંતમાં મનમોહન સિંહે કહ્યું હતું કે વર્તમાન મીડિયાની સરખામણીમાં ઇતિહાસ તેમના પ્રત્યે વધુ દયાળુ હશે.