Nayab Singh Saini: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં હરિયાણામાં નવી સરકાર બનાવવામાં આવી છે. ખટ્ટરના રાજીનામા બાદ સીએમ પદ માટે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. તેમણે ચંદીગઢના રાજભવનમાં હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કુરુક્ષેત્રના સાંસદ છે.
નાયબ સિંહ સૈની ભાજપ હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ છે
ઓબીસી સમુદાયમાંથી આવતા નાયબ સિંહ સૈનીને ગયા વર્ષે ભાજપના હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. નાયબ સિંહ સૈની મનોહર લાલ ખટ્ટરના વિશ્વાસુ માનવામાં આવે છે. સૈનીને સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. 1996માં તેમને હરિયાણા ભાજપના સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી હતી. 2002માં સૈની અંબાલા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બન્યા હતા.
2005માં નાયબ સિંહ સૈની ભાજપ અંબાલા યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. આ પછી નાયબ સિંહ સૈનીએ પાછું વળીને જોયું નથી. તેમને ભાજપ હરિયાણા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2012માં નાયબ સિંહ સૈનીને અંબાલાના જિલ્લા અધ્યક્ષ પદ પર બઢતી આપવામાં આવી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં નાયબ સિંહ સૈનીને નારાયણગઢથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.
આ પણ વાંચો – નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, કેવી રીતે ભાજપે સરકાર બચાવી? સમજો ગણિત
સૈની મનોહર લાલ ખટ્ટરની નજીક છે
નાયબ સિંહ સૈનીને મનોહર લાલ ખટ્ટરની નજીક હોવાનો ફાયદો પણ મળ્યો હતો. વર્ષ 2016માં તેમને ખટ્ટરના નેતૃત્વવાળી હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં નાયબ સિંહ સૈનીને કુરુક્ષેત્રથી ટિકિટ આપી અને તે જીતીને સાંસદ બન્યા હતા. આ પછી 2023માં તેમને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે.
અપક્ષ ધારાસભ્યોની મદદથી ભાજપ સરકાર બનાવશે
હરિયાણામાં ભાજપ હવે અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર બનાવી રહી છે. હરિયાણામાં ભાજપના 41 અને અપક્ષના છ ધારાસભ્યો છે. તમામ છ અપક્ષ ધારાસભ્યો ખટ્ટરને મળ્યા હતા અને સમર્થનના પત્રો રજૂ કર્યા હતા. હરિયાણામાં બહુમત માટે 46 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.





