દિગ્ગજ આઇટી કંપની માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સત્ય નડેલાને તેમની ઓફિસમાં જઇન પદ્મ ભૂષણ આપવામાં આવ્યું છે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સલ જનરલ ડૉ. ટીવી નાગેન્દ્ર પ્રસાદે ગયા અઠવાડિયે સત્ય નડેલાને ઔપચારિક રીતે સન્માન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે સત્ય નડેલાએ જણાવ્યું હતું કે, ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મ ભૂષણ’ મેળવવો તેમની માટે સન્માનની વાત છે અને તેઓ સમગ્ર ભારતના લોકો સાથે મળીને કામ કરવા માંગે છે, જેથી તેઓ વધારે ઉપબલ્ધિ હાંસલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે.
55 વર્ષીય નડેલા આગામી વર્ષે જાન્યુઆરીમાં ભારત આવવાની યોજના ધરાવે છે. પદ્મ ભૂષણ મેળવવા અંગે સત્ય નડેલાએ કહ્યું કે, “પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવું અને આટલા અસાધારણ લોકો સાથે ઓળખાણ કરવી એ સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભારી છું. હું સમગ્ર ભારતના લોકો સાથે કામગીરી કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છું જેથી તેઓ ટેકનોલોજીની મદદથી મોટી સંખ્યામાં ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે.”
નડેલા અને ડૉ. પ્રસાદે ભારતમાં સાર્વત્રિક વિકાસને પ્રોત્સાહન આપવામાં ડિજિટલ ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, આ ચર્ચા ભારતના વિકાસ-પથ અને વૈશ્વિક રાજકીય અને ટેક્નોલોજી લીડર બનવાની દેશની સંભવિતતા પર કેન્દ્રિત હતી.
આ બેઠક બાદ નડેલાએ કહ્યું કે, “આગામી દાયકો ડિજિટલ ટેક્નોલોજીનો હશે. ભારતીય ઉદ્યોગો અને તમામ કદના સંગઠનો ટેક્નોલોજી તરફ વળ્યા છે જે ઇનોવેશન, સ્પર્ધાત્મકતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે. આપણે ઐતિહાસિક આર્થિક, સામાજિક અને ટેકનોલોજીના પરિવર્તનના યુગમાં જીવી રહ્યા છીએ.”
નોંધનિય છે કે, હૈદરાબાદમાં જન્મેલા સત્ય નડેલા ફેબ્રુઆરી 2014માં Microsoftના CEO બન્યા હતા અને જૂન 2021માં તેમની કંપનીના ચેરમેન પદે પણ નિમણુંક કરવામાં આવી હતી.
સત્યા નડેલાએ ઉમેર્યુ હતુ કે, “આગામી દાયકાને ડિજિટલ ટેક્નોલોજીના દાયકા સ્વરૂપે ઓળવામાં આવશે. ભારતીય ઉદ્યોગો અને દરેક કદના સંગઠનો ઓછા ખર્ચે વધુ કામ મેળવવા માટે ટેક્નોલોજી તરફ વળ્યા છે, જે આખરે સતત ઇનોવેશન, ફેક્સિબિલિટી અને સુગમતા તરફ દોરી જશે.”