Modi Ka Parivar Poster : દિલ્હીમાં ઘણી જગ્યાએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે પીએમ નરેન્દ્ર મોદીની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ સાથે નીરવ મોદી અને વિજય માલ્યાને પીએમ મોદીનો પરિવાર ગણાવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. આ પોસ્ટર પર મોદીનો અસલી પરિવાર લખેલું છે અને તેની નીચે ભારતીય યુવા કોંગ્રેસ લખેલું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દિલ્હી પ્રિવેન્શન ઑફ ડિફોર્મેશન ઑફ પ્રોપર્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, નવી દિલ્હી નગરપાલિકા પરિષદના એક અધિકારીની ફરિયાદ પર મંગળવારે કેસ નોંધવામાં આવ્યો છે.

પીએમ મોદીએ લાલુ યાદવ પર કર્યો હતો વળતો પ્રહાર
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ પોસ્ટરોમાં પ્રકાશક અથવા તેને લગાવનાર વ્યક્તિનું નામ નથી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં લાલુએ કહ્યું હતું કે મોદીનો કોઈ પરિવાર નથી. મોદીએ સોમવારે કહ્યું કે 140 કરોડ ભારતીયો તેમનો પરિવાર છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સોશિયલ મીડિયા પર મોદી કા પરિવાર અભિયાન શરૂ કરી પોતાના નેતાને સમર્થન આપ્યું છે. ભાજપ ના ઘણા નેતાઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મોદીનો પરિવાર લખતા જ કોંગ્રેસે મંગળવારે પૂછ્યું કે શું ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા પણ આ પરિવારનો હિસ્સો છે? હાલ પોસ્ટરો લગાવવા મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો | ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આપી સલાહ, પીએમ મોદી પર કરેલ ટિપ્પણીઓ વચ્ચે કડક નિર્દેશ
લાલુ પ્રસાદ યાદવે પીએમ મોદીને સંતાન ન હોવા પર કટાક્ષ કર્યો હતો
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા લાલુ પ્રસાદ યાદવે રવિવારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત વિરોધ પક્ષોની જન વિશ્વાસ રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, પીએમ મોદી દરેક વખતે ભત્રીજાવાદનો મુદ્દો ઉઠાવતા રહે છે, તેઓ કેમ નથી કહેતા કે તેમને કોઈ સંતાન નથી.