ટેક્નોલોજીના આ સમયમાં ગ્રાહકોની સુવિધા માટે કંપનીઓ સ્માર્ટફોનમાં દરરોજ નવા ફીચર્સ અપડેટ કરી રહી છે. આ સિરિઝમાં હવે સ્માર્ટફોન મેન્યુફેક્ચર્સ કંપની મોટોરોલા એ એક શાનદાર ઇનોવેશન કરવા જઈ રહી છે.
કંપની એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેમાં એક બટન દબાવવા પર તમારા સ્માર્ટફોનની સાઈઝ વધી જશે. હા, તમે એકદમ સાચું સાંભળ્યું. મોટોરોલાએ તેની પેરેન્ટ કંપની લેનોવો ટેક વર્લ્ડ 2022 ઈવેન્ટમાં આ ટેક્નોલોજીનો એક નાનો વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બટન દબાવવા પર સ્માર્ટફોનની લંબાઈ વધી જાય છે.

જો કે, અહીં એ જણાવવું જરૂરી છે કે જો તમે વિચારી રહ્યા હોવ કે બટન દબાવવા પર આ ફોન ફોલ્ડ થઈ જશે, તો એવું નથી. આ ટેક્નોલોજી ફોલ્ડેબલ સ્માર્ટફોનથી અલગ છે. આમાં સ્માર્ટફોન ફોલ્ડ થતો નથી પરંતુ રોલ કરે છે.
આ વિડિયોમાં ફોનને ફક્ત આગળથી જ દેખાડવામાં આવ્યો છે. આ વિડિયો પરથી લાગી રહ્યું છે કે આ ફોનને એક હાથથી ઓપરેટ કરવામાં પણ સરળતા રહેશે. આ નવા રોલેબલ સ્માર્ટફોનમાં 5-ઇંચની OLED પેનલ છે જે બટન દબાવતાની સાથે જ 6.5 ઇંચ સુધી લંબાવી શકે છે. સ્કીનની ઉપર જમણી બાજુ બેટરી અને સેલ્યુલર ઇન્ડિકેટર આઇકન પણ છે. આ ફોન હજુ કોન્સેપ્ટ સ્ટેજમાં છે અને કંપનીએ તેને માર્કેટમાં લાવવાની યોજના વિશે કંઈપણ જાહેર કર્યું નથી.
મોટોરોલાનો ફોલ્ડેબલ ફોન અન્ય કોન્સેપ્ટ ફોનથી અલગ છે જે આપણે અત્યાર સુધી જોયા છે. મોટાભાગના કોન્સેપ્ટ ફોલ્ડેબલ ફોન લેન્ડસ્કેપ મોડમાં ટેબ્લેટના કદમાં બમણાં થઇ જાય છે. જ્યારે મોટોરોલાનો કોન્સેપ્ટ ફોન સંકોચાઇ જાય છે અને જરૂરિયાતના આધારે લંબાઈમાં મોટો થઇ જાય છે. કંપનીએ આ ફોન વિશે વધુ માહિતી આપી નથી.
સ્માર્ટફોનમાં શું સ્પેશિયલ છે?
લોકપ્રિય સ્માર્ટફોન ટિપસ્ટર Evan Blass એ અગાઉ જણાવ્યુ હતું કે મોટોરોલા એક રોલેબલ સ્માર્ટફોન બનાવી રહી છે. તેમના મતે, ફોનનું કોડનેમ ફેલિક્સ (Felix) છે અને તેને લોન્ચ થવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે. બ્લાસે આ વર્ષે મે મહિનામાં ફેલિક્સ વિશે વાત જણાવી હતી.
મોટોરોલાએ તાજેતરમાં ચીનમાં તેનો નવો 2022 Motorola Razr લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચની મોટી સ્ક્રીન છે અને તે Qualcomm ના Snapdragon 8 Plus Gen 1 પ્રોસેસર પર ચાલે છે. ફોલ્ડેબલ ફોન ડ્યુઅલ લેન્સ કેમેરા સાથે આવે છે જેમાં 50- મેગાપિક્સલનો મુખ્ય સેન્સર અને 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. આ ફોન ભારતમાં આગામી વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થાય તેવી શક્યતા છે.