મુંબઈમાં ભારે વરસાદ, એલિવેટેડ ટ્રેક પર ફસાઇ મોનોરેલ, ક્રેનથી બચાવ કાર્ય શરુ

Mumbai Rain : મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર બંધ થઇ જતા જ તેનું એસી પણ તરત જ બંધ થઇ ગયું હતું. થોડા સમય સુધી એસી ચાલુ ન થતાં અંદર બેઠેલા મુસાફરોને ગૂંગળામણ થવા લાગી હતી

Written by Ashish Goyal
August 19, 2025 21:44 IST
મુંબઈમાં ભારે વરસાદ, એલિવેટેડ ટ્રેક પર ફસાઇ મોનોરેલ, ક્રેનથી બચાવ કાર્ય શરુ
મુંબઈમાં ભારે વરસાદના કારણે મોનોરેલ સર્વિસ ઉપર પણ અસર પડી છે (Source: Express Photo)

Mumbai Rain: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મોનોરેલ સર્વિસ ઉપર પણ અસર પડી છે. ભક્તિ પાર્ક અને મૈસુર કોલોની વચ્ચે ચાલતી મોનોરેલ અચાનક અટકી ગઇ હતી. ટ્રેનની અંદર મોટી સંખ્યામાં મુસાફરો પણ હાજર હતા. ક્રેન સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

એસી બંધ થવાને કારણે મુસાફરો પરેશાન

આ ઘટના મંગળવારે સાંજે 6:15 વાગ્યાની આસપાસ બની હતી. મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર બંધ થઇ જતા જ તેનું એસી પણ તરત જ બંધ થઇ ગયું હતું. થોડા સમય સુધી એસી ચાલુ ન થતાં અંદર બેઠેલા મુસાફરોને ગૂંગળામણ થવા લાગતાં તેઓ અકળાવા લાગ્યા હતા. મોનોરેલના દરવાજા બંધ છે અને એસી પણ બંધ છે. આવી સ્થિતિમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પ્રશાસન દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરો કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પ્રવાસીઓની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે અને હું તમામ એજન્સીઓના સંપર્કમાં છું. તેમણે કહ્યું કે આ ઘટનાના કારણોની તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મોનોરેલ ટેકનિકલ ખામીને કારણે અટવાઇ ગઇ છે અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.

આ પણ વાંચો – મુંબઈમાં ભારે વરસાદથી પાણી જ પાણી, જુઓ 10 તસવીરોમાં કેવી છે સ્થિતિ

ટ્રેનમાં ઓછામાં ઓછા 500 મુસાફરો હતા

મુસાફરોને બચાવવામાં બીએમસી, ફાયર વિભાગ અને પોલીસની ટીમો કામે લાગી છે. એક મુસાફર સુનિલે જણાવ્યું હતું કે હું સાંજે 5:30 વાગ્યાથી ટ્રેનમાં હતો. એક કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થયું હતું. ટ્રેનમાં ઓછામાં ઓછા 500 મુસાફરો હતા. આ ટ્રેન 30 મિનિટના અંતરાલમાં આવી હતી, તેથી આખી ટ્રેન મુસાફરોથી ભરેલી હતી.

મોનોરેલથી બચાવવામાં આવેલા એક મુસાફરે જણાવ્યું હતું કે મુસાફરો ધૈર્યવાન હતા. ઘણા વરિષ્ઠ નાગરિકો અને બાળકો ટ્રેનમાં છે અને તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની અંદર ગૂંગળામણ એ મુખ્ય સમસ્યા હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ