Mumbai Samachar 8 January 2025 Live News In Gujarati: મુંબઇના સ્લમ ઓથોરિટીએ ઝૂંપડપટ્ટીના પુનર્વસન યોજનાને પૂર્ણ કર્યા વિના વેચવા માટેની ઇમારતોના બાંધકામને પ્રાથમિકતા આપનારા રિયલ્ટી કંપનીઓ ડેવલપર્સ સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. તે મુજબ બોરીવલીમાં ડેવલપર સામે કેસ નોંધવામાં આવ્યા છે. ઓથોરિટીના એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે આવી યોજનાઓના વિકાસકર્તાઓને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
આ અગાઉ કાંદિવલી પૂર્વમાં ઝોપુ યોજનાની કામગીરી પૂર્ણ ન કરવા બદલ કેસ કરવામાં આવ્યા હતા. ઓથોરિટીએ આવી અટકેલી યોજનાઓની સમીક્ષા કરીને કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. બોરીવલીના એક્સાર ગામ વિસ્તારમાં બોરભાટ સહકારી આવાસ યોજના જૂન 2004માં મંજૂર કરવામાં આવી હતી. આ યોજના શ્રીનિવાસ ડેવલપર્સ દ્વારા લાગુ કરવામાં આવી રહી હતી. આ યોજનામાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના પુનર્વસન માટે છ ઈમારતો બનાવવાની હતી, એક વેચાણ માટે અને એક કોલેજ માટે.
કોસ્ટલ રોડ પર અમરસન્સ પાર્કિંગનું કામ અટવાયું, સ્થાનિક લોકોનો વિરોધ
મુંબઇમાં કોસ્ટલ રોડ પર અમરસન્સ પાર્કિંગના નિર્માણની કામગીરી અટકી છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મરીન ડ્રાઈવથી વરલી સી લિંક સુધીના વિસ્તારમાં 4 સ્થળો મુંબઈ મહાનગરપાલિકા પાર્કિંગની સુવિધા ઉભી કરી રહી છે. જેમાં બ્રીચ કેન્ડી પાસેના અમરસન્સ ખાતે પાર્કિંગ સુવિધા સામે બ્રીચ કેન્ડી રેસિડન્ટ ફોરમે વિરોધ નોંધાવ્યો છે. આ પાર્કિંગ સુવિધાને કારણે વાહનોની સંખ્યા વધશે અને ટ્રાફિકની સમસ્યા સર્જાશે અને સ્થાનિક લોકોને મુશ્કેલી સહન કરવી પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના વિરોધને પગલે મુંબઇ પાલિકા દ્વારા હાલ પૂરતું અમરસન્સ પાર્કિંગની કામગીરી અટકાવી દેવામાં આવી છે.





