બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્ધીકી આજકાલ પોતાના અંગત જીવનમાં ચાલતી ઉથલપાથલના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેતાની માતા મેહરૂનિયા સિદ્ધીકીએ તેની પત્નિ આલિયા સિદ્દીકી વિરૂદ્ધ FIR નોંધાવી હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. આ પછી પોલીસે ફરિયાદના આધારે આલિયાની પૂછપરછ કરી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, નવાઝુદ્દીન સિદ્દીકીની નોકરાણી સપનાએ એક વીડિયો શેર કરીને અભિનેતાની માફી માંગે છે.
નવાઝુદ્દીન પર ગંભીર આરોપ
હકીકતમાં નવાઝુદ્દીનના બાળકોની સાર સંભાળ રાખતી સપનાએ થોડા દિવસ પહેલા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે અભિનેતા પર તેને દુબઇના ઘરમાં એકલા છોડી દેવાનો અને ખાવા-પીવા ન આપી અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં સપનાએ એમ પણ કહ્યું હતુ કે, એક્ટરે તેનો પગાર પણ ચૂકવ્યો નથી.
તમારું ખરાબ ઇચ્છતી નથી: સપના રોબિન
આ વીડિયો પછી નવાઝુદ્દીનની પત્નિ આલિયાના વકીલ નોકરાણી સપનાને લઇને સતત ટ્વીટ કરી રહ્યા હતા. આ તમામ વિવોદો વચ્ચે હાઉસ હેલ્પ સપના રોબિનનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે તેના પર લગાવેલા ગંભીર આરોપને પગલે અભિનેતાની માફી માંગતી નજર આવે છે. આ સાથે સપનાએ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, હું નવાઝુદ્દીન સિદ્દીકી સરની હાથ જોડીને જોડીને માફી માંગુ છું. જોકે, હું માફીને લાયક તો નથી, પણ મેં જે પણ કહ્યું તે કોઈના દબાણમાં આવીને કહ્યું હતું. હું તમારું ખરાબ ઇચ્છતી નથી.
‘તમે ખૂબ સારા વ્યક્તિ છો’
સપનાએ વીડિયોમાં આગળ કહ્યું કે ‘તમે ખૂબ સારા વ્યક્તિ છો. જે પણ થયું તેના માટે હું તમારી માફી માંગુ છું. તમે સોશિયલ મીડિયા પર જે વીડિયો જોયો તે ખોટો હતો. મેડમે તમારા પર લગાવેલા આરોપો ખોટા છે. હું તમારા પર કોઇ ખોટો કેસ થાય તેવું બિલકુલ ઇચ્છતી નથી. તમે ઘરે પરત આવી જાઉં.
ભાઈ શમાસની પ્રતિક્રિયા
સપના રોબિનનો નવો વીડિયો સામે આવ્યા બાદ નવાઝના ભાઈ શમાસની પ્રતિક્રિયા સામે આવી છે. શમારે ટ્વીટ કર્યું છે. જેમાં તેણે લખ્યું કે, આ બધું સ્ક્રિપ્ટેડ છે. તમે કેટલાને ખરીદશો? બેંક બેલેન્સ ખત્તમ થઇ જશે, તમારું કામ પણ હવે ચોપટ થઇ ગયું છે. અટકેલી ફિલ્મોને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 150 કરોડ રૂપિયા અટવાઈ ગયા છે. તે સાચું છે -કબાડી, દલ્લે અને બકરા વેચનારા જ તેને હાંકીને નરક સુધી લઇ જશે.