Nayab Singh Saini Haryana CM : લોકસભા ચૂંટણી 2024 પહેલા જ એક તરફ જ્યાં તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીને લઈને માથાપચ્ચી કરી રહ્યા છે ત્યાં જ બીજી તરફ ભાજપે હરિયાણામાં મોટો દાવ રમ્યો છે. રાજ્યમાં જેજેપીના સમર્થનથી ચાલી રહેલી મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સરકારમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ભાજપે દુષ્યંત ચૌટાલાની જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું છે. બીજી તરફ ખટ્ટરના નજીકના સહયોગી નાયબ સિંહ સૈનીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા જ આવું કેમ કર્યું છે. તમને જણાવી દઇએ કે ભાજપે આવા અનેક પ્રયોગો કર્યા છે.
રાજ્યની રાજનીતિની વાત કરીએ તો હરિયાણામાં ભાજપના કુલ 40 અને જેજેપીના 10 ધારાસભ્યો છે. 90 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે. ખાસ વાત એ છે કે 6 અપક્ષ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ભાજપને સરળતાથી બહુમત મળી જશે. એવા અહેવાલો પણ છે કે જેજેપીના ઘણા ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં છે.
ભાજપ અને જેજેપીની પોતાની અલગ વોટબેન્ક છે અને ભાજપ સતત પ્રયત્નો કરે છે કે તેને જાટ મતો મળે. પરંતુ ખાસ વાત એ છે કે તે એ પણ જાણે છે કે જ્યારે જાટ મતોનું વિભાજન થાય તેને વધુ ફાયદો પહોંચી શકે છે. કારણ કે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપની જીતનું મહત્વનું સમીકરણ જાટ વોટબેંકનું વિભાજન છે.
જેજેપીથી ભાજપને દેખાતું હતું નુકસાન?
ભાજપ એ પણ જાણે છે કે લોકસભા ચૂંટણી પહેલા જેજેપી સાથે હાથ મિલાવવાથી મોટી વોટ બેંક તૂટી શકે છે. જો ભાજપ જેજેપી સાથે ચૂંટણીમાં જાય છે, તો તે જાણે છે કે જેજેપી સાથે ગઠબંધન હોવા છતાં તેના મતો ભાજપના ઉમેદવારોને ટ્રાન્સફર કરવા મુશ્કેલ છે. બીજી તરફ જો કોંગ્રેસને એકતરફી રીતે એ જ જાટ વોટ મળે તો ભગવા પક્ષની મુશ્કેલીઓ વધી શકે છે. આ કારણે તેણે અચાનક જેજેપી સાથેના સંબંધોનો અંત આણ્યો છે.
આ પહેલા ભાજપે 4 રાજ્યોમાં સીએમ બદલ્યા હતા
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે ઘણા રાજ્યોમાં પોતાના મુખ્યમંત્રી બદલી નાખ્યા છે. આ લિસ્ટમાં હરિયાણાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા પાર્ટીએ ગુજરાત, ઉત્તરાખંડ, ત્રિપુરા અને કર્ણાટકમાં અચાનક સીએમ બદલી નાખ્યા હતા. સીએમ બદલ્યા બાદ ગુજરાત, ત્રિપુરા, ઉત્તરાખંડમાં ભાજપને ફાયદો થયો છે, પરંતુ કર્ણાટકમાં તેને સૌથી મોટો ઝટકો લાગ્યો અને પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો – નાયબ સિંહ સૈની કોણ છે? જેમણે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
ગુજરાતમાં ઘણા મુખ્યમંત્રી બદલ્યા
નરેન્દ્ર મોદી ગુજરાતથી દિલ્હી આવ્યા બાદ રાજ્યમાં સીએમને લઈને લાંબી ઊથલપાથલ ચાલી હતી. આ પહેલા પાર્ટીએ આનંદીબેન પટેલને સીએમ બનાવ્યા હતા. આ પછી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રૂપાણીની આગેવાનીમાં પાર્ટીએ 2017ની ચૂંટણીમાં 99 બેઠકો જીતી હતી, જે ભાજપ માટે ચેતવણીની ઘંટડી સમાન હતી. આ પછી 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ હાઈકમાન્ડે ગુજરાતની સમગ્ર કેબિનેટ બદલી નાખી હતી રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો જીતીને પાર્ટીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું
કર્ણાટકમાં આ નિર્ણય ખોટો સાબિત થયો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના દોઢ વર્ષ પહેલા બીએસ યેદિયુરપ્પાને સીએમ પદ પરથી હટાવી દીધા હતા અને લિંગાયત નેતા બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી બનાવ્યા હતા. સીએમ બદલાયા બાદ ભાજપને આ રાજ્યમાં સક્સેસ રેટના મામલે ઝટકો લાગ્યો કારણ કે કોંગ્રેસે 2023ના ચૂંટણી પ્રચારમાં બોમ્મઈ પર ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેનો ફાયદો કોંગ્રેસે કર્ણાટકમાં ચૂંટણી જીતીને ઉઠાવ્યો હતો.
ઉત્તરાખંડમાં પણ કર્યા પ્રયોગો
ઉત્તરાખંડમાં પણ ભાજપે સીએમના અનેક ફેરફાર કર્યા છે. 2017માં ચૂંટણી જીતનારી પાર્ટીએ ત્રિવેન્દ્ર સિંહ રાવને સીએમ પદ આપ્યું હતું પરંતુ માર્ચ 2021માં તેમની પાસેથી આ પદ લઈ તીરથ સિંહ રાવતને આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ વર્ષે જૂન મહિનાના અંત બાદ પાર્ટીએ ફરી એકવાર સીએમનો ચહેરો બદલી નાખ્યો. ભાજપે જુલાઈ 2021માં પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા હતા. ધામીના નેતૃત્વમાં પાર્ટી ચૂંટણી જીતીને ફરી સરકારમાં આવી હતી પરંતુ તે પોતે પોતાની સીટ હારી ગયા હતા. જોકે તેમને તેમના કામનું ઇનામ મળ્યું હતું અને પેટાચૂંટણી જીત્યા બાદ વિધાનસભામાં ગયા હતા.
ત્રિપુરામાં થયો હતો ફેરફાર
ત્રિપુરામાં ભાજપે મે 2022માં અચાનક મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને રાજીનામું અપાવી દીધું હતું અને 2016માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માણિક સાહાને રાજ્યના નવા સીએમ બનાવ્યા હતા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ 2023માં ચૂંટણી જીતી હતી અને ફરીથી સીએમ પદના શપથ લીધા હતા. સીએમ બન્યા.
હવે આ યાદીમાં હરિયાણાનું નામ પણ સામેલ થઇ ગયું છે. હવે તેના આ નિર્ણયથી લોકસભા ચૂંટણી 2024માં હરિયાણાની દસ બેઠકો પર કેવી અસર થશે અને વિધાનસભા ચૂંટણીમાં સીએમ બદલ્યા બાદ ભાજપ વાપસી કરશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.





