અંકિત રાજ | Nirmala Sitharaman not contest Lok Sabha elections : સંપત્તિના મામલામાં દેશની સૌથી ધનિક પાર્ટીના નેતા નિર્મલા સીતારમણે પૈસાની અછતને કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. ચૂંટણી લડવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં કારણ કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. ટાઈમ્સ નાઉ સમિટ 2024 માં વાતચીત દરમિયાન સીતારમણે કહ્યું કે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.
નિર્મલા સીતારમણે શું કહ્યું?
સીતારમણે કહ્યું, “પાર્ટીએ મને પૂછ્યું હતું, પરંતુ એક અઠવાડિયા કે દસ દિવસ વિચાર્યા પછી મેં ના પાડી દીધી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તામિલનાડુ. વિવિધ માપદંડોનો પ્રશ્ન પણ છે જે જીતની ખાતરી આપે છે. તમે કયા સમુદાયના છો કે તમે તે ધર્મના છો? તમે અહીંના છો કે નહી? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરી શકું.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, દેશના નાણામંત્રી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા કેવી રીતે નથી, તો તેમણે કહ્યું, “મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, ભારતનું સંકલિત ભંડોળ નથી.”
નિર્મલા સીતારમણની સંપત્તિ : બેંકમાં 34 હજાર, તથા 20 હજાર રોકડા
ભાજપના નેતા નિર્મલા સીતારમણ રાજ્યસભાના સાંસદ છે. તેમનો કાર્યકાળ જુલાઈ 2016 માં શરૂ થયો હતો. નિર્મલા સીતારમણ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે તેલંગાણામાં 99 લાખ 36 હજાર રૂપિયાનું ઘર છે. એકલા તેલંગાણામાં જ 16 લાખ રૂપિયાથી વધુની બિનખેતીની જમીન છે. આ ઘર સીતારામન અને તેમના પતિ પરકલા પ્રભાકરે સંયુક્ત રીતે ખરીદ્યું હતું. જ્યારે, જમીનની માલિકી માત્ર સીતારમણ પાસે છે.
સીતારમણના કહેવા પ્રમાણે, તેમની પાસે 28 હજાર રૂપિયાનું સ્કૂટર છે. 7 લાખ 87 હજાર 500 રૂપિયાની જ્વેલરી છે, જેમાં 315 ગ્રામ સોનું અને બે કિલો ચાંદીનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, તેમના બેંકમાં 34,585 રૂપિયા ફિક્સ છે અને રોકડ રૂપિયા 20,100 છે.
પતિ-પત્ની પર 41.5 લાખનું દેવું
નિર્મલા સીતારમણ અને તેમના પતિ પરકલા પ્રભાકર પર 8 લાખ 48 હજાર 100 રૂપિયાની હોમ લોન છે. તો સીતારમણ પાસે 10 લાખ રૂપિયાથી વધુનો ઓવરડ્રાફ્ટ અને 22 લાખ 85 હજાર 100 રૂપિયાની મોર્ટગેજ લોન છે.
નાણામંત્રીના પતિએ ઈલેક્ટોરલ બોન્ડને કૌભાંડ ગણાવ્યું
નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે. તાજેતરમાં તેમણે ઈલેક્ટોરલ બોન્ડને માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિશ્વનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. પ્રભાકરનો અંદાજ છે કે, ‘ઇલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ’ શાસક ભારતીય જનતા પાર્ટીને ભારે પડશે.
‘રિપોર્ટર ટીવી’ નામની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પ્રભાકરે કહ્યું, “ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આજની સરખામણીએ ખૂબ ઝડપથી વધશે. હવે બધા સમજી રહ્યા છે કે, આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આ મુદ્દાને કારણે જનતા આ સરકારને સખત સજા કરશે. ચૂંટણી પંચ (ECI) ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ભાજપને ચૂંટણી બોન્ડ્સનો સૌથી વધુ ફાયદો મળ્યો છે.
12 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2024 ની વચ્ચે, ભાજપને ચૂંટણી બોન્ડ્સ દ્વારા રૂ. 8,451.41 કરોડ મળ્યા, ત્યારબાદ કોંગ્રેસ (રૂ. 1,950.90 કરોડ), પશ્ચિમ બંગાળની શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (રૂ. 1,707.81 કરોડ) અને બીઆરએસ ને રૂ. 1,707.81 કરોડ મળ્યા છે.
બોન્ડ ઉપરાંત ચૂંટણી ટ્રસ્ટ અને અન્ય માધ્યમો દ્વારા મળેલા દાનના મામલે પણ ભાજપ ટોચ પર છે. સંપત્તિની દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી અમીર પાર્ટી છે. 2023 સુધીમાં, તેની પાસે 70.4 અબજ રૂપિયાની રોકડ અને સંપત્તિ હતી.
સીતારમણની પુત્રી પત્રકાર છે
નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયી પત્રકાર છે. તેણીએ વિદેશમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે અને દેશ અને વિદેશમાં ઘણી મીડિયા સંસ્થાઓ માટે કામ કર્યું છે. ગયા વર્ષે જૂનમાં પરકલા વાંગમયીએ બેંગલુરુમાં તેના ઘરેથી લગ્ન કર્યા હતા. વિધિ ખૂબ જ સાદગીપૂર્ણ હતી. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. વાંગમયીના પતિનું નામ પ્રતિક દોશી છે.
વડાપ્રધાન કાર્યાલયમાં OSD (સંશોધન અને વ્યૂહરચના) તરીકે નિયુક્ત પ્રતિક દોશી એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. PMO માં પ્રતીકનું મુખ્ય કામ વડાપ્રધાનની દેશ અને વિદેશની મુલાકાતો માટેની વ્યૂહરચના તૈયાર કરવાનું છે. પ્રતિક દોશીને ‘મેનેજમેન્ટ ગુરુ’ પણ કહેવામાં આવે છે.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ પૈસા ખર્ચ્યા હતા
2019 ની લોકસભાની ચૂંટણીમાં જેટલો નાણા ખર્ચવામાં આવ્યો હતો તેટલો ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં ક્યારેય થયો નથી. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS) નો રિપોર્ટ દર્શાવે છે કે, ચૂંટણીમાં લગભગ 55000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભાજપે સૌથી વધુ 27500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સીએમએસનો એવો પણ અંદાજ છે કે, પક્ષોએ મતદારોમાં આશરે રૂ. 15,000 કરોડ ગેરકાયદેસર રીતે વહેંચ્યા છે.
ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે છે?
રાજકીય પક્ષો ચૂંટણી પાછળ કેટલો ખર્ચ કરી શકે તેની કોઈ મર્યાદા નથી. પરંતુ ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 50 લાખથી 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અરુણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમ સિવાય તમામ રાજ્યોના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે વધુમાં વધુ 70 લાખ રૂપિયા ખર્ચી શકે છે.
અરુણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમ માટે 54 લાખ રૂપિયાની કેપ રાખવામાં આવી છે. જ્યારે દિલ્હીથી ચૂંટણી લડનાર ઉમેદવાર 70 લાખ રૂપિયા અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો 54 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે.
ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે અલગ એકાઉન્ટ જાળવવું પડશે. કાયદા હેઠળ ચૂંટણીમાં કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાની હોય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 10A હેઠળ, ખર્ચની જાળવણી ન કરવી અથવા મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવાથી ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠરી શકે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પૂર્ણ થયાના 30 દિવસની અંદર તેમના ખર્ચની વિગતો ચૂંટણી પંચને સબમિટ કરવાની રહેશે. તમામ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી પૂરી થયાના 90 દિવસની અંદર તેમના ચૂંટણી ખર્ચની વિગતો ચૂંટણી પંચને સબમિટ કરવાની રહેશે.
આ પણ વાંચો – શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ
શ્રીમંત ઉમેદવારોના જીતવાની વધુ તકો હોય છે
સેન્ટર ફોર પોલિસી રિસર્ચના સિનિયર ફેલો નીલંજન સરકારે એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, શા માટે રાજકીય પક્ષો સમૃદ્ધ ઉમેદવારો પર આધાર રાખે છે. તેમણે પોતાના અભ્યાસમાં સંપત્તિ અને ચૂંટણી જીતવા વચ્ચેનો સંબંધ સાબિત કર્યો છે. તેઓએ જોયું કે, મોટા ભાગના કિસ્સાઓમાં, ધનાઢ્ય ઉમેદવારની જીતની લગભગ 10 ટકા વધુ તક હોય છે.





