Nitin Gadkari Net Worth : ભાજપ એ નાગપુર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ઉમેદવાર બનાવ્યા છે. નીતિન ગડકરી છેલ્લી બે ટર્મથી નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઇ રહ્યા છે. નીતિન ગડકરીએ નાગપુરથી ઉમેદવારી નોંધાવી છે. તેમના નામાંકન પત્ર અનુસાર તેમની પત્ની કંચન ગડકરી નિતિન ગડકરીથી પણ વધુ અમીર છે. નીતિન ગડકરી અને તેમના પરિવાર પાસે લગભગ 28 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે.
નીતિન ગડકરી અને પત્ની કંચન ગડકરી પાસે અઢળક સંપત્તિ
નીતિન ગડકરીના ઉમેદવારી પત્ર અનુસાર 2022-23માં તેમની કુલ આવક 13 લાખ 84 હજાર રૂપિયા હતી. આ જ સમયગાળા દરમિયાન તેમની પત્નીની વાર્ષિક આવક 40.62 લાખ રૂપિયા હતી. નીતિન ગડકરી પાસે 12,300 રૂપિયા રોકડા રકમ છે અને તેમની પત્ની પાસે 14,750 રૂપિયા કેશ છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામાં મુજબ નીતિન ગડકરીના 21 બેંક ખાતા છે અને તેમાં 49.06 લાખ રૂપિયા જમા થયા હતા. નીતિન ગડકરીની પત્ની કંચન ગડકરીના બેંક ખાતામાં 16.03 લાખ રૂપિયા જમા છે.
નીતિન ગડકરીનું શેર અને મ્યુ. ફંડમાં જંગી રોકાણ
નીતિન ગડકરી શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. તેમણે 35.55 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે તેની પત્નીએ 20.51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. નીતિન ગડકરી અને તેમની પત્નીના નામે ત્રણ લક્ઝરી વાહનો છે. નીતિન ગડકરી પાસે એમ્બેસેડર કાર, હોન્ડા અને ઇસુઝુ ડી-મેક્સ છે, જ્યારે તેમની પત્નીના નામ પર ઇનોવા, મહિન્દ્રા અને ટાટા ઇન્ટ્રા કાર છે.
નીતિન ગડકરી પાસે 486 ગ્રામ સોનાના દાગીના
નીતિન ગડકરી ને પણ સોનાનો શોખ છે. તેમની પાસે કુલ 486 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત લગભગ 31 લાખ 88 હજાર રૂપિયા છે. તેમની પત્ની કંચન ગડકરી પાસે 24.14 લાખ રૂપિયાની કિંમતના 368 ગ્રામ સોનાના દાગીના છે. નીતિન ગડકરી પાસે 31.10 લાખ રૂપિયાના સોનાના ખાનદાની દાગીના પણ છે. આવી સ્થિતિમાં જો નીતિન ગડકરીની જંગમ સંપત્તિ જોવામાં આવે તો તેની કુલ કિંમત 3 કરોડ 53 લાખ રૂપિયા છે.
આ પણ વાંચો | ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ, લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે?
નીતિન ગડકરી પાસે 15.74 એકર ખેતીની જમીન પણ છે, જેની કિંમત આશરે 1 કરોડ 57 લાખ રૂપિયા છે. આ સાથે જ તેમના પરિવાર પાસે 14.6 એકર ખેતીની જમીન છે, જેની કિંમત 1.79 કરોડ રૂપિયા છે, નાગપુર અને મુંબઈ સાથે મળીને નીતિન ગડકરીના કુલ 7 ઘર છે, ગડકરીના નામે મુંબઈમાં બે બિલ્ડિંગ પણ છે, જેની કિંમત 4 કરોડ 75 લાખ રૂપિયા છે.





