scorecardresearch

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પૂર્વ મંત્રી વાય.કે. અલઘનું નિધન, પાકિસ્તાન સાથે છે ખાસ સંબંધ

Yoginder K Alagh passes away: જાણીતા અર્થશાસ્ત્રી યોગીન્દર કે. અલઘનું (Yoginder K Alagh) 83 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું, તેમણે અર્થશાસ્ત્રીમાં વિવિધ સંશોધન પત્રો રજૂ કરવાની સાથે સાથે વિવિધ આર્થિક – નાણાંકીય સમિતિઓ અને SPIESR સહિત ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ મોટી ભૂમિકા ભજવી

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પૂર્વ મંત્રી વાય.કે. અલઘનું નિધન, પાકિસ્તાન સાથે છે ખાસ સંબંધ

જાણીતા અર્થશાસ્ત્રી યોગીન્દર કે અલઘનું નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા અને અમદાવાદ ખાતે તેમનું નિધન થયુ છે. તેઓ સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચમાં ((SPIESR)માં પ્રોફેસર તરીકે સેવા આપવાની સાથે સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

વાય.કે. અલઘના પુત્ર મુનીશ અલઘે માહિતી આપતા જણાવ્યું કે, પિતાની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી સારી ન હતી, પરંતુ છેલ્લા 20-25 દિવસમાં તેમની તબિયત વધારે બગડી હતી અને આજે 6 ડિસેમ્બર 2022ના રોજ ઘરે જ તેમના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને અવસાન થયુ છે.

પાકિસ્તાનમાં જન્મ

પ્રખ્યાત અર્શશાત્રી વાય.કે. અલઘનો જન્મ આઝાદી પહેલા 14 ફેબ્રુઆરી 1939ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા ચકવાલ ખાતે થયો હતો. ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, કેળવણીકાર તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી. પૂરું નામ યોગેન્દ્રકુમાર ભગતરામ અલઘ. માતાનું નામ પ્રકાશ છે.

અભ્યાસ :-

વાય.કે. અલઘે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કર્યા મેળવ્યા બાદ અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાંથી તે જ વિષયમાં શરૂઆતમાં એમ.એ. અને ત્યારબાદ પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1964-65માં તે યુનિવર્સિટીમાં હૅની ફાઉન્ડેશન ફેલો અને હાર્ટિસન સ્કૉલર તરીકે સંશોધનકાર્ય કર્યું. થોડોક સમય (1965-67) ત્યાં અધ્યાપનકાર્ય કર્યા પછી કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટમાં (1967-70) અને ત્યારબાદ જોધપુર યુનિવર્સિટીમાં (1970-8૦) અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તથા વિભાગના અધ્યક્ષપદે કામ કર્યું.

સરકારી વિભાગોમાં કામગીરી

આ દરમિયાન 1974-8૦ના ગાળામાં ભારતના આયોજન પંચની પર્સ્પેક્ટિવ પ્લાનિંગ શાખામાં સલાહકાર રહ્યા. 1980-82 દરમિયાન અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ (SPI) સંસ્થાના નિયામકપદે કામ કર્યું. 1982-83માં ભારત સરકારના કૃષિ ભાવ પંચના સભ્ય અને ત્યારબાદ તેના ચૅરમૅન તરીકે નિમાયા. 1983થી બ્યુરો ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ કૉસ્ટસ્ ઍન્ડ પ્રાઇસીસના ચેરમેન તરીકે સેવાઓ આપી. 1987માં ભારતના આયોજન પંચમાં રાજ્યકક્ષાના પ્રધાનના મોભા સાથે પંચના સભ્યપદે નિમાયા. સાથોસાથ નવી દિલ્હી ખાતેની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU)ના કુલપતિપદે પણ કાર્ય કર્યું.

photo source: Chandigarh University facebook
કેન્દ્રીય મંત્રીની જવાબદારી નિભાવી

1996-97 દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે તેમણે આયોજન ખાતાનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો. સાથોસાથ તેમની પાસે વિજ્ઞાન અને ટેક્નૉલોજીનો વધારાનો હવાલો પણ હતો.

1980 પછીના ગાળામાં ડૉ. અલઘે રાષ્ટ્રસંઘની અન્ન અને કૃષિ સંસ્થા (FAO), ‘અન્કટાડ’ (UNCTAD), આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO), વિશ્વબૅંક જેવી ઘણી સંસ્થાઓને સલાહકાર તથા નિષ્ણાત તરીકે સેવાઓ આપી છે. સાથોસાથ ભારત સરકારની આર્થિક અને ઉદ્યોગ-વ્યાપારને લગતી મહત્વની ઘણી સમિતિઓ પર તથા ગુજરાત સરકારની આયોજન અને જાહેર વિતરણ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરતી સમિતિઓ પર સભ્ય તરીકે કામ કર્યું છે. ગુજરાત રાજ્યના આયોજન મંડળના તથા ગુજરાત સરકારે નીમેલ નર્મદા યોજના આયોજન જૂથના ઉપાધ્યક્ષ તરીકે પણ રાજ્યને તેમની સેવાઓ પ્રાપ્ત થઈ છે. 1997માં તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે.

તેઓ રાષ્ટ્રસંઘની યુનિવર્સિટીની કાઉન્સિલના સભ્ય તથા ‘યુનેસ્કો’ના આંતરરાષ્ટ્રીય સોશિયલ સાયન્સ પ્રોગ્રામની સાયન્ટિફિક સ્ટિયરિંગ કમિટિના ચેરમેન છે. ભારતના અર્થતંત્ર અને આયોજનને લગતા વિષયો પર તેમનાં પાંચ પુસ્તકો અને આશરે 1૦૦ જેટલા લેખો પ્રકાશિત થયાં છે.

સમ્માન અને પુરસ્કાર :-
  • વર્ષ 1981માં તેમને અર્થશાસ્ત્રને લગતું V.K.R.V. રાવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યુ હતું. આ પુરસ્કાર બેંગ્લોર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિલયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
  • વર્ષ 1994માં અમેરિકામાં, ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર, તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.
  • વર્ષ 2011માં ફેલો, ઇન્ડિયન સોસાયટી ઑફ એગ્રીકલ્ચરલ ઇકોનોમિક્સ સોસાયટીના પ્રથમ ફેલો તરીકે પસંદગી પામ્યા હતા.

Web Title: Noted economist and former union minister yk alagh passes away at 83 age

Best of Express