NEET Paper Leak: નીટ પેપર લીક વિવાદ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે એનટીએ ડિરેક્ટર પદેથી સુબોધ કુમાર સિંહને હટાવી દીધા છે અને પ્રદીપ સિંહ કરોલાને એનટીએના નવા ડીજી બનાવ્યા છે. પરીક્ષા સુધારણા માટે રોડમેપની ભલામણ કરવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના માળખા અને કામગીરીની સમીક્ષા કરવા નિષ્ણાત સમિતિની જાહેરાત કર્યાના કલાકો પછી (NTA) કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે શનિવારે સુબોધ કુમાર સિંહને NTA પ્રમુખ પદેથી હટાવી દીધા છે અને તેને કર્મચારી અને તાલીમ વિભાગમાં કમ્પલસરી વેટ પર મૂક્યા છે.
થોડા દિવસ પહેલા નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્રએ સુબોધ કુમારને સમન્સ પાઠવ્યું હતું, સવાલ પૂછવામાં આવ્યા હતા. જે પણ આરોપો લગાવવામાં આવી રહ્યા હતા તેમાં સુબોધ કુમારને પર પણ નિશાન ટાંકવામાં આવી રહ્યા હતા. તેમની કાર્યશૈલીને લઇને વિવાદ થયો હતો. વધતા વિવાદ વચ્ચે હવે સરકારે આ મોટો ફેરબદલ કર્યો છે.
સુબોધ કુમાર સિંહને કેમ હટાવાયા?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુબોધ કુમારને ગત વર્ષે જ એનટીએની કમાન મળી હતી, કારણ કે તેઓ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી રૂરકીથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએટ હતા, તેથી તેમની પાસેથી અપેક્ષાઓ પણ ઘણી વધારે હતી. પરંતુ જે રીતે તે વિવાદોમાં ફસાઈ ગયા, તેમની ઈમેજને જબરદસ્ત નુકસાન થયું છે. તેમના પર લાગેલા આરોપોના કારણે સરકારે પણ પોતાના પર દબાણ અનુભવ્યું, જેની અસર હવે આ પ્રકારની કાર્યવાહીમાં જોવા મળી રહી છે.
આમ જોવા જઈએ તો આવો નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો કારણ કે એક તરફ પેપર લીક થવાના આક્ષેપો થયા તો બીજી તરફ ઘણી પરીક્ષાઓ મોકૂફ અને રદ કરવી પડી હતી. મોટી વાત એ હતી કે એનટીએ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં તમામ સમસ્યાઓ જોવા મળી હતી.
તાજેતરમાં જ 21 જૂને સીએસઆઈઆર – યુજીસી – નેટ ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. તેની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી નથી, માત્ર એટલું જ કહેવાયું છે કે, સંશાધનોના અભાવે અત્યારે પરીક્ષા લેવી શક્ય નથી.
આ પણ વાંચો | પેપર લીક અંગે નવા કાયદામાં શું છે? સર્વિસ પ્રોવાઈડર પર પણ લાગશે 1 કરોડનો દંડ, જાણો બધુ
વિશ્વાસ સાથે રમત, વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ
આ પહેલા એનટીએ એ યુજીસી-નેટ ની પરીક્ષા રદ્દ કરી દીધી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પરીક્ષામાં કોઇ ગેરરીતિના થઇ હોવાના ઇનપુટ હતા, જેના કારણે તે રદ કરવામાં આવી હતી. અગાઉ આ પરીક્ષા 18 જૂને યોજાવાની હતી. હવે આ કારણોસર તમામ પરીક્ષાઓને લઇને વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉભી થઇ છે, વિશ્વસનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા પારદર્શિતા જળવાઈ રહી નથી, વહીવટી તંત્રમાં જ ગેરરીતિ ચાલી રહી છે.