16 એપ્રિલે લગ્ન, કાશ્મીરમાં હનીમૂન મનાવવા ગયા હતા, આતંકીઓએ પત્નીની સામે નેવી ઓફિસરને ગોળી મારી દીધી

Navy Officer Vinay Narwal Killed in Pahalgam : પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર વિનય નરવાલના લગ્ન 16 એપ્રિલે મસૂરીમાં થયા હતા. 21 એપ્રિલે જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા હતા અને 22 એપ્રિલે પહેલગામની એક હોટલમાં રોકાયા હતા. બપોરનું ભોજન કર્યા બાદ તેઓ એ જગ્યાએ હતા જ્યાં આતંકી હુમલો થયો હતો

Written by Ashish Goyal
April 23, 2025 14:59 IST
16 એપ્રિલે લગ્ન, કાશ્મીરમાં હનીમૂન મનાવવા ગયા હતા, આતંકીઓએ પત્નીની સામે નેવી ઓફિસરને ગોળી મારી દીધી
લેફ્ટનન્ટ વિનય નરવાલના 16 એપ્રિલે લગ્ન થયા હતા અને કાશ્મીરમાં હનીમૂન મનાવવા ગયા હતા. જ્યાં આતંકીઓએ પત્નીની સામે નેવી ઓફિસરને ગોળી મારી હતી (ફાઇલ ફોટો, સોશિયલ મીડિયા)

Navy Officer Vinay Narwal Killed in Pahalgam : હરિયાણાના કરનાલથી નવવિવાહિત લેફ્ટનન્ટ વિનય નરવાલ (26) પત્ની હિમાંશી નરવાલ સાથે હનીમૂન પર ગયા હતા. ત્યારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં તેમનું મોત થયું છે. છ દિવસ પહેલા જ આ કપલના લગ્ન થયા હતા અને સોમવારે હનીમૂન માટે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા.

હિમાંશી આ હુમલામાં બચી ગઈ

એક રિપોર્ટ અનુસાર આ કપલે લગ્ન બાદ યુરોપ ફરવાની યોજના બનાવી હતી, પરંતુ વિઝા ન મળતા છેલ્લી ઘડીએ તેઓએ હનીમૂન માટે જમ્મુ-કાશ્મીર જવાનો પ્લાન બનાવ્યો હતો. આ હુમલામાં તેમની પત્ની હિમાંશી નરવાલ બચી ગઈ હતી.

હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં હિમાંશી કહી રહી છે કે હું મારા પતિ સાથે ભેળ પુરી ખાતી હતી ત્યારે એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે તે મુસ્લિમ નથી પછી તેણે તેમને ગોળી મારી દીધી. વિનયના પરિવારને મંગળવારે સાંજે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેઓ જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે. તેમનો પાર્થિવ દેહ આજે કરનાલ લાવવામાં આવશે.

રિપોર્ટ અનુસાર વિનયનો પરિવાર મૂળ કરનાલના ભુસલી ગામનો રહેવાસી છે અને સેક્ટર-7માં રહે છે. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ વિનય ત્રણ વર્ષ પહેલાં નેવીમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા અને કેરળના કોચીમાં પોસ્ટિંગ પામ્યા હતા. વિનયના પિતા રાજેશ કુમાર પાનીપતમાં કસ્ટમ વિભાગમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે.

વિનયના દાદા હવા સિંહ 2004માં હરિયાણા પોલીસમાંથી નિવૃત્ત થયા હતા. તેમની માતા આશા દેવી અને દાદી બિરુ દેવી હોમ મેકર છે. વિનયની નાની બહેન સૃષ્ટિ દિલ્હીમાં સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. વિનયે બે મહિના પહેલા જ ગુડગાંવની હિમાંશી સાથે સગાઈ કરી હતી. હિમાંશી પીએચડી કરી રહી છે અને બાળકોને ઓનલાઇન ક્લાસ આપે છે.

બંને 22 એપ્રિલે કાશ્મીર પહોંચ્યા હતા

હિમાંશીના પિતા સુનિલ કુમાર ગુડગાંવમાં એક્સાઇઝ અને ટેક્સેશન ઓફિસર છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર વિનયે 28 માર્ચે લગ્ન માટે રજા લીધી હતી, 16 એપ્રિલે મસૂરીમાં લગ્ન કર્યા હતા અને 19 એપ્રિલે કરનાલમાં રિસેપ્શન રાખ્યું હતું.

પરિવારના એક સભ્યએ કહ્યું કે તેઓએ યુરોપમાં તેમના હનીમૂનનું આયોજન કર્યું હતું, પરંતુ વિઝા સંબંધિત સમસ્યાઓના કારણે તેને રદ કરવામાં આવ્યા હતા. તેના બદલે તેઓ 21 એપ્રિલે જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા હતા અને 22 એપ્રિલે પહેલગામની એક હોટલમાં રોકાયા હતા. બપોરનું ભોજન કર્યા બાદ તેઓ એ જગ્યાએ ગયા જ્યાં આતંકી હુમલો થયો હતો.

આ પણ વાંચો – પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું – ‘તુમ્હેં નહીં મારેંગે, જાઓ મોદી કો બતા દો…’

વિનય 1 મેના રોજ જમ્મુ-કાશ્મીરથી પરત ફર્યા બાદ પોતાનો 27 મો જન્મદિવસ ઉજવવાનો હતો. પરિવારના એક સભ્ય અમિતે કહ્યું કે પરિવારે હનીમૂનથી પરત ફર્યા પછી એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. વિનય અને હિમાંશી 3 મેના રોજ કોચી પાછા ફરવાના હતા, જ્યાં તેમણે એક રેસ્ટ હાઉસ બુક કરાવ્યું હતું. પાડોશી નરેશ બંસલે જણાવ્યું હતું કે તાજેતરના લગ્નને કારણે ઘરમાં ખુશી હતી.

વિનયના દાદાએ શું કહ્યું?

રિપોર્ટ પ્રમાણે બસંલે કહ્યું કે અમને મંગળવારે સાંજે ખબર પડી કે વિનયને આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા પછી તેને ગોળી મારી હતી, જ્યારે હિમાંશી કોઈ ઈજા વિના બચી ગઈ હતી. વિનયના દાદા હવા સિંહે જણાવ્યું હતું કે વિનય કરનાલની સંત કબીર સ્કૂલમાં ભણ્યો હતો અને બાદમાં દિલ્હીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેણે શાળામાં કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ (સીડીએસ) પરીક્ષાની તૈયારી કરી હતી, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તેણે એસએસબી માટે તૈયારી કરી હતી અને ત્રણ વર્ષ પહેલાં નૌકાદળ માટે તેની પસંદગી કરવામાં આવી હતી.

હવા સિંહે કહ્યું કે તેમના પરિવારનો સૈન્ય સેવાનો ઇતિહાસ છે. તેના કાકા અને વિનયના મામાના ભાઈ પણ લશ્કરમાં હતા, જેઓ અંગ્રેજો સાથે મળીને લડ્યા હતા. તેનો ભત્રીજો પણ લશ્કરમાં છે. હવા સિંહ હરિયાણા પોલીસમાં જોડાતા પહેલા અને નિવૃત્ત થયા પહેલા પોતે બીએસએફમાં હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે મને ડાયાબિટીસ છે. જતાં પહેલાં વિનય અને હિમાંશીએ મને વધારે પડતી ખાંડ ન ખાવાનું કહ્યું હતું. વિનય 28 માર્ચે રજા પર આવ્યો હતો. તેણે 4 માર્ચે સગાઈ કરી હતી, 16 એપ્રિલે મસૂરીમાં ડેસ્ટિનેશન વેડિંગ અને 19 એપ્રિલે રિસેપ્શન રાખ્યું હતું. 20 એપ્રિલે તેઓ જમ્મુ-કાશ્મીર જતા પહેલા ગુડગાંવમાં હિમાંશીના પરિવારને મળવા ગયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ