Pahalgam terror attack: કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલોના આધારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાત રદ કરવામાં આવી હતી. રાંચીમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આતંકી હુમલા અંગે ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્ર સરકારે પહેલગામમાં વધુ સુરક્ષા કર્મચારીઓને કેમ તૈનાત ન કર્યા?
ખડગેએ કહ્યું કે 22 એપિલે પહેલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા પ્રધાનમંત્રીને એક ઇન્ટેલિજેન્સ રિપોર્ટ મોકલ્યા હતા. જેથી તેમે કાશ્મીર જવાનો પોતાનો કાર્યક્રમ રદ કર્યો હતો. મેં આ વાત એક અખબારમાં વાંચી હતી.
તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કેન્દ્રએ ગુપ્તચર નિષ્ફળતાની કબૂલાત કરી છે તો શું પહેલગામ હુમલામાં લોકોના મોત માટે તેમને જવાબદાર ના ગણાવવા જોઈએ. મલ્લિકાર્જુન ખડગેએ એવો પણ દાવો કર્યો હતો કે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કોઇ પણ કાર્યવાહી માટે કોંગ્રેસ સરકારની સાથે છે, દેશ પાર્ટીથી ઉપર છે.
આ પણ વાંચો – પાકિસ્તાન સામે થશે મોટી કાર્યવાહી? દેશના અનેક રાજ્યોને સુરક્ષા મોક ડ્રીલ કરવા ગૃહ મંત્રાલયની સૂચના
સરકાર પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો
ખડગેએ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એ પણ આરોપ લગાવ્યો કે તેમની સરકારની નીતિ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ બંધ કરી એસસી, એસટી અને ઓબીસી સમુદાય પાસેથી નોકરીઓ છીનવી લેવાની છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી ભારત માટે, ગરીબો માટે, આદિવાસીઓ માટે લડે છે. તેમણે કહ્યું કે ભાજપ ફક્ત જુમલામાં વિશ્વાસ કરે છે.
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. જ્યારે 17 ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ઘાટીમાં પર્યટકો પર કરવામાં આવ્યો હતો.