Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસારન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. એવું માનવામાં આવે છે કે હત્યા પાછળ શંકાસ્પદ બે પાકિસ્તાની આતંકવાદીઓનું જૂથ લગભગ દોઢ વર્ષ પહેલાં ઘૂસણખોરો તરીકે ઘૂસ્યું હતું. આ જૂથ સાંબા-કઠુઆ વિસ્તારમાંથી વાડ કાપીને પ્રવેશ્યું હતું અને ત્યારથી તે અનેક આતંકી હુમલાઓમાં સામેલ છે.
અનંતનાગ પોલીસે બે પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ અલીભાઈ ઉર્ફે તલ્હા અને હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે કરી છે. પોલીસે તેમના સ્કેચ પણ જાહેર કરી દીધા છે. તેમજ સ્થાનિક લશ્કર-એ-તૈયબાના ભરતી આદિલ હુસૈન થોકરનો સ્કેચ પણ બહાર પાડવામાં આવ્યો છે. તે પહેલગામનો ત્રીજો હુમલાખોર હોવાનું મનાય છે. પોલીસે તેની ધરપકડ માટે કોઈપણ માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી છે.
આદિલ હુસૈન 2018માં સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયો હતો
અનંતનાગના બિજબેહરાનો રહેવાસી આદિલ હુસૈન થોકર વાઘા બોર્ડર પાર કરીને 2018માં સ્ટુડન્ટ વિઝા પર પાકિસ્તાન ગયો હતો પરંતુ પાકિસ્તાનમાં લશ્કરના આતંકી પ્રશિક્ષણ કેમ્પમાં જોડાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે તે દોઢ વર્ષ પહેલા બે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે પરત ફર્યો હતો. પાકિસ્તાન જતા પહેલા થોકર કાશ્મીરની એક ખાનગી શાળામાં ભણાવતા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સેના અને અર્ધલશ્કરી દળોની ટીમો અનંતનાગના ઉપરના વિસ્તારોમાં સર્ચ ચલાવી રહી છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તેઓ આદિવાસી સમુદાયો પાસેથી મળેલી માહિતીના આધારે આતંકવાદીઓને શોધી રહ્યા છે. દરમિયાન, હાશિમ મુસા ઉર્ફે સુલેમાન ગયા વર્ષે 20 ઓક્ટોબરે સોનમર્ગમાં ઝેડ-મોર ટનલ હુમલામાં સામેલ હોવાની શંકા છે.
સુરક્ષા દળના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓને આતંકવાદીઓની ઘણી તસવીરો બતાવવામાં આવી હતી. તેણે એક ફોટોગ્રાફ પરથી મૂસાને ઓળખ્યો. ત્યાંથી મળેલી માહિતીના આધારે બાકીના લોકોની ઓળખ કરવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મુસાને જંગલમાં રહેવા માટે સૌથી પ્રશિક્ષિત અને નિષ્ણાત માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે ઘૂસણખોરોમાંથી એક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ- અમદાવાદનો યુવાન પહેલગામમાં પેરાગ્લાઈડિંગ કરતો રહ્યો અને નીચે ધડાધડ ગોળીબાર થયો, જુઓ વીડિયો
તપાસ ટીમ શોધવામાં વ્યસ્ત છે
તપાસ ટીમ એ પણ તપાસ કરી રહી છે કે ઓગસ્ટ 2023માં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં ત્રણ સૈન્ય જવાનોની હત્યામાં પણ આ જૂથ સામેલ હતું કે કેમ. સૂત્રોએ જણાવ્યું કે ગયા વર્ષે મે મહિનામાં જમ્મુના પુંછ જિલ્લામાં થયેલા હુમલામાં પણ આ આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે. જેમાં એરફોર્સનો એક જવાન શહીદ થયો હતો અને અન્ય ચાર ઘાયલ થયા હતા. NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગોળીબાર દરમિયાન આતંકવાદીઓએ તેમના સાથીઓને ઝડપથી ભાગી જવાની વિનંતી કરી હતી જેથી તેઓ ભાગી શકે.