Pakistan Air Attack on Khyber Pakhtunkhwa : પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ દેશના લોકો પર બોમ્બમારો કર્યો છે. સોમવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા છે.
ગામ પર આઠ બોમ્બ ફેંક્યા હતા
પાકિસ્તાની ફાઇટર જેટ્સે તિરાહ ખીણ સ્થિત મત્રે દારા ગામ પર આઠ બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ થયો. આ LS-6 કેટેગરીના વિશાનકારી બોમ્બ હતા, જે ચીની JF-17 ફાઇટર જેટ્સ દ્વારા ફેંકવામાં આવ્યા હતા. માર્યા ગયેલા બધા જ લોકો નાગરિકો હતા.
પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
પાકિસ્તાન સરકાર તરફથી હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર બોમ્બમારા દરમિયાન 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રહેવાસીઓના મતે જ્યારે ગામના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે જોરદાર વિસ્ફોટોથી જાગી ગયા હતા. બોમ્બમારો એટલો વિનાશક હતો કે ગામનો મોટો ભાગ નાશ પામ્યો હતો.
આ પણ વાંચો – H1-B વિઝા પર ટ્રમ્પના નિર્ણયથી શું ભારતીયોનું અમેરિકામાં નોકરી કરવાનું સપનું તૂટી જશે? જાણો
સ્થાનિક મીડિયામા રિપોર્ટમાં ઘટનાસ્થળેથી વિચલિત કરનારી તસવીરો અને વીડિયોમાં બાળકો સહિત ઘણા લોકોના મૃતદેહ જમીન પર પડેલા દેખાય છે. બચાવ ટીમો કાટમાળ નીચે મૃતદેહો શોધી રહી છે. મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે. ખૈબર પખ્તુનખ્વામાં અગાઉ પણ નાગરિકોના મૃત્યુના અહેવાલો બહાર આવ્યા છે.
પાકિસ્તાનનો આંતરિક સંઘર્ષ બહાર આવ્યો
રિપોર્ટમાં જણાવાયું છે કે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે અને કાટમાળમાં તેમની શોધ ચાલી રહી છે. આ ઘટના પાકિસ્તાનની અંદરની આંતરિક પરિસ્થિતિ અને સંઘર્ષ બહાર લાવી રહી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રદેશ લાંબા સમયથી અશાંત પ્રદેશ રહ્યો છે, જ્યાં પાકિસ્તાન સરકારરનું કોઈ નિયંત્રણ નથી.