Indian Army Destroyed Pakistan Drone Attacks : ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી રહ્યું છે. નાપાક હરકત કરતું પાકિસ્તાન સરહદ પારથી ડ્રોન મોકલી ભારત પર સતત હુમલો કરી રહ્યું છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને પણ આવો જ પ્રયાસ કર્યો હતો અને ભારતની ઉત્તર અને પશ્ચિમ સરહદે આવેલા અનેક શહેરોમાં હુમલા કર્યા હતા. આ ડ્રોન હુમલા પાકિસ્તાન દ્વારા ભારતના સૈન્ય મથકોને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલું ડ્રોન પંજાબના ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું, જેમાં એક પરિવારના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા.
ભારતીય સેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભૂજ અને પાકિસ્તાન સાથે જોડાયેલી નિયંત્રણ રેખા સુધી આંતરરાષ્ટ્રીય સરહદ પર 26 સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં શ્રીનગર, અવંતીપોરા, નગરોંટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાજિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, કુઆર બેટ અને લાખી નાળાનો સમાવેશ થાય છે. ભારતીય સેનાએ કહ્યું હતું કે આ ડ્રોન નાગરિક અને સૈન્ય ઠેકાણાં માટે ખતરો છે.
કાઉન્ટર ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરી રહેલી સેના
ભારતીય સેનાએ કહ્યું કે, તેઓ હાઈ એલર્ટ મોડ પર છે અને તમામ હવાઈ જોખમોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, કાઉન્ટર ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન હુમલાનો સામનો કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ પર નજીકથી બાજ નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોન અને મિસાઈલને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ ઠાર મારી દીધી છે.
પંજાબમાં ફિરોઝપુર, અમૃતસર, પઠાણકોટ અને હોશિયારપુર જેવા સરહદી જિલ્લાઓમાં અનેક ડ્રોન જોવા મળ્યા હતા. મુખ્ય પ્રધાન ભગવંત માનએ રાજ્ય સરકારના મંત્રીઓને સરહદી જિલ્લાઓમાં રહેવાની સૂચના આપી હતી.
લોકોને ઘરની અંદર જ રહેવાની અને સલામતીની સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. સેનાએ કહ્યું છે કે, કોઈએ ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો | પાકિસ્તાન તુર્કી વચ્ચેના સંબંધો આટલા ગાઢ કેમ છે? 7 મુદ્દામાં સમજો સમગ્ર કહાણી
કાશ્મીરમાં ઘણા સ્થળો પર વિસ્ફોટ
પંજાબ ઉપરાંત કાશ્મીરમાં પણ ઘણી જગ્યાએ વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ, પઠાણકોટ, ઉધમપુરમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરના પુલવામામાં અવંતીપોરા એરબેઝ પાસે પણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. બારામૂલામાં ઘણી જગ્યાએ વિસ્ફોટો પણ સંભળાયા છે અને આ વિસ્તારમાં ભારતના ઘણા મહત્વપૂર્ણ સૈન્ય મથકો છે. વિસ્ફોટોથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોને તેમના ઘરની બહાર દોડી જવાની ફરજ પડી હતી.





