India Pakistan Attack News: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભારત વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલ વડે ભારતના સરહદી વિસ્તારોમાં હવાઇ હુમલા કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઇ ગુજરાતના કચ્છ વિસ્તાર સુધી પાકિસ્તાને ડ્રોન એટેક કર્યા છે. આ દરમિયાન રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગત રાત્રે પાકિસ્તાને ફરી એકવાર બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર જેવા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા.
જાણકારી અનુસાર આખી રાત ડ્રોન દેખાવા અને બ્લેકઆઉટ થયા બાદ શનિવારે સવારે રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં ફરીથી સાયરન વાગવા લાગી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગંગાનગર જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટીના ડાબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હાઈ રેડ એલર્ટ! દરેકને તાત્કાલિક તેમના ઘરે જવાનો આદેશ આપવામાં આવે છે. બજારો બંધ કરવા પડશે અને તમામ પ્રકારની અવરજવર બંધ કરવી પડશે. તાત્કાલિક અમલ સુનિશ્ચિત થવો જોઈએ.
ડીએમ ટીના ડાબીએ એક વોઇસ મેસેજ જારી કર્યો
જિલ્લા મેજિસ્ટ્રેટ ટીના ડાબીએ પણ એક વોઇસ મેસેજ જારી કરીને રસ્તા પર ફરતા લોકોને પોતાના ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જિલ્લામાં હાઈ રેડ એલર્ટ છે. દરેક વ્યક્તિએ તરત જ ઘરે જવું જોઈએ અને બજારો અથવા અન્ય જાહેર સ્થળોએ રહેવું જોઈએ નહીં.
પોલીસે દુકાનો બંધ કરાવી
રાજસ્થાનના બાડમેર શહેરના બજારો બંધ છે. પોલીસ એક દુકાનથી બીજી દુકાનમાં જઈને દુકાનો બંધ કરવાનું કહી રહી છે. આ પછી સાયરન વાગતા જ બજારમાં હાજર લોકો ઘર તરફ દોડતા જોવા મળ્યા હતા. આ પહેલા ગત રાત્રે રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જિલ્લામાં ડ્રોન જોવા મળ્યા હતા અને જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો.
આ પણ વાંચો | પાકિસ્તાન તુર્કી વચ્ચેના સંબંધો આટલા ગાઢ કેમ છે? 7 મુદ્દામાં સમજો સમગ્ર કહાણી
ઘણી જગ્યાએથી કાટમાળ મળ્યો
સવારે પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવેલા ડ્રોનનો કાટમાળ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મળી આવ્યો હતો. જેસલમેરના સાંકરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાનસિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કાટમાળ મળી આવ્યા બાદ નજીકની વસાહતો અને ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે. બાડમેરના બાયતુના પરેઉ ગામના રહીશોએ સવારે 4 વાગ્યે મોટા અવાજો સાંભળ્યા હતા અને બાદમાં તેમને કાટમાળ મળ્યો હતો.





