CDSCO Medicine Quality Test: જો તમે પણ તાવ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવા ખાવ છો, તો સાવધાન રહેજો. સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. ડ્રગ રેગ્યુલેટર દ્વારા કુલ 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે. આ 53 દવાઓમાં તાવ માટે ઉપયોગમાં લેવાતા પેરાસિટામોલ થી લઈ વિટામિન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ સુધીની દવાઓ સામેલ છે. એટલું જ નહીં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે વપરાતી દવાઓ પણ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઇ છે. આ દવાઓની યાદી ભારતીય ડ્રગ્સ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.
ક્વોલિટી ટેસ્ટમાં નાપાસ 53 દવાની યાદી
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં ઘણી દવાઓનો ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દવાઓમાં પેરાસિટામોલ, કેલ્શિયમ, વિટામિન ડી3 સપ્લીમેન્ટનો સમાવેશ થાય છે. આ દવાઓમાં વિટામિન સી અને ડી3ની ટેબ્લેટ શેલ્કલ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ, એન્ટિએસિડ પેન ડી, પેરાસિટામોલ આઇપી 500 એમજી, ડાયાબિટીસની દવા ગ્લાઇમેપિરાઇડ, હાઇ બ્લડ પ્રેશર ડ્રગ ટેલ્મિસર્ટન વગેરેનો સમાવેશ થાય છે.
ક્વોલિટી ટેસ્ટમાં નાપાસ દવામાં બાળકો માટેની દવાઓ પણ સામેલ
ક્વોલિટ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓમાં બાળકોને આપવામાં આવતી દવાઓનો સમાવેશ થાય છે. સેપોડેમ એક્સપી 50 ય સસ્પેન્શન પણ ક્વોલિટી ટેસ્ટમાં નાપાસ થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ દવા બાળકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે આપવામાં આવે છે. ભારતના ડ્રગ કંટ્રોલરે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જતી દવાઓની બે યાદી જાહેર કરી છે. એક યાદીમાં 48 જાણીતી દવાઓ છે, જ્યારે બીજી યાદીમાં વધુ 5 દવાઓ તેમજ પરીક્ષણમાં નિષ્ફળ ગયેલી ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રત્યુતરનો સમાવેશ થાય છે.
CDSCO શું છે?
ઇન્ડિયન ડ્રગ્સ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દેશમાં દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોના નિયમન અને ધોરણો માટે જવાબદાર અગ્રણી સંસ્થા છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ કામ કરતી આ સંસ્થા એક નિયમનકારી સંસ્થાની જેમ કામ કરે છે, જે દેશમાં ઉપલબ્ધ દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો માટે સલામતી અને ગુણવત્તાના માપંદડો નક્કી કરે છે.





