Rajasthan sikar accident news : રાજસ્થાનના સીકર જિલ્લામાં સોમવારે રાત્રે જયપુર-બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટો અકસ્માત થયો. ફતેહપુર નજીક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે સામસામે ટકરાઈ જેમાં ત્રણ લોકોના મોત અને 18 મુસાફરો ઘાયલ થયા હતા. તેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકો અને મુસાફર ગુજરાતના વલસાડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના યાત્રાળુઓ વૈષ્ણોદેવીથી પરત ફરી રહ્યા હતા
અકસ્માતમાં ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું કહેવાય છે. તેઓ વૈષ્ણોદેવીથી પરત ફરી રહ્યા હતા અને ખાટુ શ્યામજીના દર્શન કરવા માટે બસ દ્વારા સીકર જઈ રહ્યા હતા.
ટ્રક સાથે થયેલી ગંભીર ટક્કર બાદ બસનો આગળનો ભાગ તુટી ગયો હતો
માહિતી અનુસાર, સ્લીપર બસ બિકાનેરથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુનઝુનુથી બિકાનેર જઈ રહી હતી. બંને વાહનોની ગતિ વધુ હોવાને કારણે, ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તુટી ગયો હતો. ઘણા મુસાફરો તેમની સીટમાં ફસાયેલા હતા, અને તેમને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી.
હાઇવે પર અંધાધૂંધી, લોકોએ મુસાફરોને બચાવ્યા
અકસ્માત પછી તરત જ હાઇવે પર અંધાધૂંધી ફેલાઇ ગઈ. પસાર થતા લોકોએ અને ગ્રામજનોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી અને બચાવ કામગીરી શરૂ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગેસ કટરનો ઉપયોગ કરીને ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને સીકર અને નજીકના વિસ્તારોની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ડોકટરોની ઘણી ટીમો કાર્યરત છે. પોલીસે કેસ નોંધ્યો છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.





