Petrol Diesel Price Cut : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી થોડીક રાહત આપી છે. ચૂંટણી પહેલા મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ ઘટાડો દેશભરમાં લાગુ થશે. નોંધનિય છે કે, તાજેતરમાં જ રાજસ્થાનની ભાજપ સરકારે ઈંધણ બે ટકા વેટ ઘટાડ્યો છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો 15 માર્ચ, 2024ના રોજ સવારે 6 વાગેથી લાગુ થશે.
તાજેતરમાં એલપીજી રાંધણ ગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવ ઘટ્યા એવી અટકળો વહેતી થઈ હતી કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જે આખરે સાચી પડી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના કરોડો ભારતીયોના પરિવારનું કલ્યાણ અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે ઓઈલની સૌથી મોટી કટોકટી હોવા છતાં છેલ્લા અઢી વર્ષમાં ભારતમાં પેટ્રોલ ના ભાવમાં 4.65 ટકાનો ઘટાડો થયો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે 14 માર્ચના રોજ સરેરાશ પેટ્રોલની કિંમત 94 રૂપિયા અને ડીઝલની કિંમત 87 રૂપિયા પ્રતિ લીટર હતી.
વિવિધ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત (પ્રતિ લિટર રૂપિયા)
| શહેર | પેટ્રોલ | ડીઝલ |
| અમદાવાદ | 96.41 | 92.15 |
| લખનઉ | 96.55 | 89.74 |
| દિલ્હી | 96.76 | 89.66 |
| પણજી | 97.20 | 89.77 |
| શિમલા | 97.20 | 89.08 |
| જમ્મુ | 97.48 | 83.24 |
| હિસાર | 97.64 | 90.48 |
| ગોહાટી | 98.01 | 90.31 |
| અમૃતસર | 98.69 | 89.00 |
| ત્રિવેન્દ્રમ્ | 109.71 | 98.51 |
| ભોપાલ | 108.63 | 93.88 |
| જયપુર | 108.46 | 93.70 |
| પટના | 107.22 | 94.02 |
| મુંબઇ | 106.29 | 94.25 |
| કલકત્તા | 106.01 | 92.74 |
| રાયગઢ | 103.41 | 96.38 |
આ પણ વાંચો | ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા, જાણો કઇ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા અને કોણે આપ્યું ડોનેશન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 100 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ભાવ ઘટાડાથી એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરનાર લગભગ 33 કરોડ પરિવારોને ફાયદો થયો છે.





