Manmohan Singh News: આર્થિક સુધારાના ઘડવેયા અને દેશને આર્થિક કટોકટીમાંથી આબાદ રીતે બહાર લાવનારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી. ગુરુવારે રાતે 92 વર્ષની જૈફ વયે એમનું નિધન થયું છે. પરંતું એમણે દેશને આપેલી આધાર કાર્ડ, નરેગા સહિતની સેવાઓ યોજનાઓ સદાય માટે એમની યાદ અપાવતી રહેશે.
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે અનેક સિદ્ધિઓ છે. ઓછું બોલનારા પરંતુ કામમાં પરફેક્ટ એવા મનમોહન સિંહની સરકારમાં દેશને મજબૂત બનાવવા અને એક તાંતણે બાંધવા માટે અનેક કામગીરીઓ કરવામાં આવી છે. દેશવાસીઓને હાલાકીઓમાંથી બહાર લાવવાની દિશામાં એમણે કરેલા કાર્યો સદાય યાદગાર રહે એવા છે.
આર્થિક બાબતોના નિષ્ણાંત મનમોહન સિંહ વર્ષ 1991માં દેશના નાણામંત્રી બન્યા હતા. નાણામંત્રી તરીકેની એમની કામગીરી ઘણી અસરકારક અને કારગત બની હતી. એમણે દેશને આર્થિક ઉદારીકરણના પાટે ચઢાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ લાગુ કરેલી નીતિઓ દેશને લાંબાગાળાના ફાયદા અપાવનારી સાબિત થઇ છે.
આ પણ વાંચો । મનમોહન સિંહે સાબિત કર્યું કે તેઓ Accidental Prime Minister ન હતા
દેશમાં વિકાસ કરવા માટે એમણે આર્થિક ઉદારીકરણમાં સરકારી નિયંત્રણો ઘટાડવા, વિદેશી રોકાણને આવકારવા અને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે અનેક સુધારા અપનાવ્યા હતા. એ કહેવું પણ અનુચિત નથી કે એમણે સાચા અર્થમાં ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વૈશ્વિક બજાર માટે દરવાજા ખોલી દીધા હતા. એમણે એવી ઘણી યોજનાઓ લાગુ કરાવી જે આજે દેશમાં અસરકારક સાબિત થઇ રહી છે.
આધાર કાર્ડ
વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના વિરોધ વચ્ચે પણ એમણે દેશમાં આધાર કાર્ડ યોજના શરુ કરી હતી. આધાર પરિયોજનાથી દેશવાસીઓને એક ખાસ ઓળખ અપાવવા અને જુદી જુદી સેવાઓ સુધી પહોંચાડવા અને જોડવા માટે એમણે અસરકારક કામગીરી કરી હતી. એમની સરકારમાં નિલેશ કુલકર્ણીના સહયોગથી આધાર કાર્ડ યોજના શરુ કરાવી હતી.
આરટીઆઈ
દેશમાં ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે અને સરકારી બાબુઓ અને તંત્ર શુ કરી રહ્યું છે એમનો હિસાબ લેવા જનતાને એમણે આરટીઆઈ રુપમાં એક શસ્ત્ર આપ્યું હતું. વર્ષ 2005માં આરટીઆઈ કાયદો બનાવી દેશના નાગરિકોને જાહેર સત્તામંડળો પાસેથી જાણકારી માંગવાનો અધિકાર આપ્યો હતો.
નરેગા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સરકારમાં વર્ષ 2005માં શરુ કરાયેલી નરેગા યોજના હેઠળ દરેક ગ્રામીણ કુટુંબને વર્ષની ઓછામાં ઓછી 100 દિવસની રોજગારીની ગેરંટી આપતી આ યોજના બનાવી હતી. જેનાથી ગ્રામિણ વિસ્તારના લાખો લોકોને આજીવિકામાં નોંધપાત્ર સુધારો થયો હતો અને માળખાકિય સુવિધાઓ સુધરી હતી.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના
પૂર્વ વડપ્રધાન મનમોહન સિંહ સરકારે દેશમાં વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને મળતી સહાયમાં ગેરરીતિ અટકાવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના લાગુ કરી હતી. આ યોજનાથી સહાય વિતરણ વ્યવસ્થામાં સુધાર આવ્યો હતો અને લાભાર્થીઓને સહાય સીધી મળતી થઇ હતી.
મનમોહન સિંહ જન્મ, શિક્ષણ, પરિચય અને રાજકીય સફર
ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન હતા. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતા, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેઓ સદાય યાદ રહેશે. અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો.
ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિ.ગ્રી મેળવી હતી. તે પછી ડો. સિંઘે 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
પોતાના પુસ્તક ‘ ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો.
આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.
1971માં ડો.સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. તે પછી તરત 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડો. મનમોહનસિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળ્યા.
સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળી.
ડો. મનમોહન સિંહ અનેક એવોર્ડથી સન્માનિત થયા
- ભારતના વિત્તીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (1987)થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા
- ઇન્ડિયન સાયન્સ કોંર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી અવોર્ડ (1995)
- યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994)
- કેમ્ર્બિઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઇઝ (1956)
- કેમ્બ્રિઝ સેન્ટ જોન કોલેજ ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઇટ પ્રાઇઝ (1955)
- જાપાનના નોન કેઇલાઇ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્ચા છે.
- યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડિગ્રીઓ પ્રાપ્ત થઇ હતી
મનમોહન સિંહ અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. એજ રીતે 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું.
મનમોહન સિંહ રાજકીય કારકિર્દી
ડો. મનમોહન સિંહની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડો.મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.