PM Modi Lok Sabha Elections 2024 Rally In Meerut Uttar Pradesh : લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તાપમાનની સાથે સાથે રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં મેગા રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની જાહેરસભા અનેક રીતે ખાસ બની રહેશે. પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ચૂંટણી અભિયાનની શરૂઆત મેરઠમાં જનસભાથી કરશે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનનો શંખનાદ પીએમ મોદીએ મેરઠમાં એક રેલી દ્વારા કર્યો હતો.
સમગ્ર જાટલેન્ડને આવરી લેવાની વ્યૂહરચના
મહત્વની વાત એ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી પણ મંચ પર હશે. પીએમ મોદી મેરઠમાં પોતાની રેલી દ્વારા ગાઝિયાબાદ, કૈરાના, બુલંદશહર, સહારનપુર, બાગપત લોકસભા ક્ષેત્ર સહિત સમગ્ર જાટલેંડને કવર કરશે. પીએમ મોદીની સાથે મંચ પર ભાજપના સહયોગી દળોના વડાઓ પણ હાજર રહેશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની પણ મંચ પર હાજર રહેશે. પીએમ મોદીની જનસભા મેરઠના મોદીપુરમમાં થશે, જ્યાં ભાજપને 3 લાખ લોકો આવવાની આશા છે. આ માટે 25000 ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ અને અન્ય રાજકીય પક્ષો જબરદસ્ત મુકાબલો જોવા મળશે.
રેલી પહેલા પીએમ મોદી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “છેલ્લા 10 વર્ષોમાં, અમારી સરકારે તેના કાર્યથી દેશભરમાં મારા પરિવારના સભ્યોની આકાંક્ષાઓને નવી ઉડાન આપી છે. તેને વધુ વેગ આપવા દેશવાસીઓએ ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએ સાથે જવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે બપોરે લગભગ 3.30 વાગ્યે તમને જનતા – જનાર્દન પાસેથી આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય મળશે.

મેરઠમાં અરુણ ગોવિલ ભાજપના ઉમેદવાર
ભાજપે મેરઠ લોકસભા મત વિસ્તારમાંથી તેના સિટીંગ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલની ટિકિટ કાપી છે. રાજેન્દ્ર અગ્રવાલના બદલે રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર કલાકાર અરુણ ગોવિલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી મહિલાઓ પર ભાજપનું ખાસ ફોકસ, આ વખતે વધુ મહિલા ઉમેદવારોને આપી ટિકિટ
પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને શનિવારે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની જાહેર સભામાં તેનો ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાનની રેલીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. રેલી સ્થળથી 8 કિલોમીટરની ત્રિજ્યામાં ડ્રોન, પતંગ કે ફુગ્ગાઓ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બિજનૌર, મુઝફ્ફરનગર અને કૈરાના લોકસભા સીટ પર પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.