PM Narendra Modi Cyprus Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યૂરોપિયન દેશ સાયપ્રસની યાત્રા પર છે. મોદીની આ મુલાકાત ફૂટનીતિક રુપથી ઘણું મહત્વ ધરાવે છે કારણ કે તુર્કીએ 1974 સુધી આ ટાપુ રાષ્ટ્રના ત્રીજા ભાગ પર કબજો જમાવ્યો હતો. આવી સ્થિતિમાં 23 વર્ષ પછી ભારતના વડા પ્રધાનની સાયપ્રસની મુલાકાત તુર્કી માટે સ્પષ્ટ સંદેશ છે. હાલના દિવસોમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર બાદ તણાવની સ્થિતિ દરમિયાન તુર્કીએ દુશ્મન દેશને ટેકો આપ્યો હતો. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાન તણાવ પછી પીએમ મોદીની પ્રથમ વિદેશ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી મોદી જી-7 સમિટની સાથે સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાનો પ્રવાસ ખેડશે. કોઈ પણ ભારતીય વડાપ્રધાનની ક્રોએશિયાની આ પ્રથમ મુલાકાત બનવા જઈ રહી છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસના વિશેષ આમંત્રણ પર સાયપ્રસની મુલાકાતે છે. આ દરમિયાન લગભગ 100 અધિકારીઓનું મોટું પ્રતિનિધિમંડળ પણ પીએમ સાથે પહોંચ્યું છે. સાયપ્રસની આ યાત્રા ભારતની દ્રષ્ટિએ અનેક રીતે મહત્વપૂર્ણ છે. જે ભૌગોલિક, રાજકીય, આર્થિક, વૈશ્વિક, વ્યૂહાત્મક અને રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ છે.
અટલ બિહારી વાજપેયી બાદ મોદીની મુલાકાત
છેલ્લા 40 વર્ષમાં ભારતના માત્ર બે જ વડાપ્રધાને સાયપ્રસની મુલાકાત લીધી છે. 1982માં ઇન્દિરા ગાંધી અને 2002માં અટલ બિહારી વાજપેયીએ મુલાકાત લીધી હતી. આવી સ્થિતિમાં બે દાયકા પછી એક ભારતીય વડા પ્રધાનની મુલાકાત થઈ રહી છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત કરવા અને વ્યૂહાત્મક ભાગીદારી પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેત આપી રહી છે.
તુર્કીને સ્પષ્ટ સંદેશ
1974માં તુર્કીના આક્રમણ પછી સાયપ્રસ સાથેના તેના સંબંધો સારા રહ્યા નથી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું મુખ્ય કારણ ટાપુનું વિભાજન અને તુર્કીનું આક્રમણ છે. આવી સ્થિતિમાં જ્યાં તુર્કી પાકિસ્તાન સાથે ઉભું જોવા મળે છે, ત્યારે વડા પ્રધાન બંને દેશો વચ્ચેના વિવાદિત વિસ્તારની મુલાકાત લઈને તુર્કીની વિસ્તરણવાદી નીતિ સામે સાયપ્રસ સાથે એકતાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે. સાયપ્રસે આતંકવાદના મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે તો તુર્કી પાકિસ્તાનની સહાયક ભૂમિકામાં ઉભું રહ્યું છે.
સાયપ્રસ ભૂમધ્ય સમુદ્ર અને યુરોપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
તુર્કી અને સીરિયાની નજીક અને પૂર્વી ભૂમધ્ય સાગરમાં સ્થિત સાયપ્રસ ભૌગોલિક રીતે ભલે એશિયામાં આવતો હોય, પરંતુ તેને યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે. સાયપ્રસના માધ્યમથી ભારત ભૂમધ્ય સમુદ્ર સુધી પોતાની પહોંચને મજબૂત કરવા માંગે છે. આ સાથે સાયપ્રસ યુરોપ સાથે જોડાણ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો – એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘171’ નો ઉપયોગ નહીં કરે, દુર્ઘટના પછી એરલાઇન્સનો નિર્ણય
ભારત અને મધ્ય પૂર્વ યુરોપ ઈકોનોમિક કોરિડોર
સાયપ્રસ ભારત અને યુરોપને જોડવા તથા ભારત અને મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની મુલાકાતનો હેતુ સાયપ્રસને સ્ટ્રેટેજિક ઇકોનોમિક કોરિડોરમાં નિશ્ચિતપણે સામેલ કરવાનો છે.
ઊર્જા, સુરક્ષા અને કુદરતી ગેસ
સાયપ્રસ અને તુર્કી વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ એ છે કે સાયપ્રસ પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં કુદરતી ગેસનું મુખ્ય કેન્દ્ર છે. એટલે ભારતનાં ઊર્જા સ્રોતોની વિવિધતાને ધ્યાનમાં રાખીને સાયપ્રસને સંભવિત ઊર્જા ભાગીદાર બનાવવું અતિ મહત્ત્વપૂર્ણ છે.
યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે સંબંધો વધારવા
2026માં સાયપ્રસ યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ સંભાળવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન મોદીની મુલાકાતથી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર, સુરક્ષા તેમજ અન્ય ઘણા મુદ્દાઓ પર સહકાર સરળ બનશે. આ સાથે યુરોપિયન યુનિયનમાં સાયપ્રસનો પ્રભાવ વધશે. યુરોપિયન યુનિયનના સભ્ય તરીકે, સાયપ્રસ જૂથમાં ભારતના હિતો પર નોંધપાત્ર રીતે ભાર મૂકી શકે છે. આ વર્ષના અંતમાં યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરારમાં સાયપ્રસ પણ ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.





