PM Narendra Modi On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ સુશાસનની જીત છે, વિકાસની જીત છે. પીએમ મોદીએ કહ્યું કે સુશાસનની જીત થઇ છે. વિકાસની જીત થઇ છે.
પીએમ મોદીએ લખ્યું છે, જનકલ્યાણની ભાવનાની જીત થઇ છે. સામાજિક ન્યાયની જીત થઇ છે. મારા બિહારના પરિવારજનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે 2025ની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આશીર્વાદ આપ્યા છે. આ પ્રચંડ જનાદેશ અમને બિહાર માટે સેવા, નવા સંકલ્પ સાથે કામ કરવાની તાકાત આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં લખ્યું છે કે, “હું એનડીએના દરેક કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું, જેમણે અથાક મહેનત કરી છે. તેમણે જનતા સમક્ષ જઈને અમારો વિકાસ એજન્ડા રજૂ કર્યો અને વિપક્ષના દરેક જુઠ્ઠાણાનો કડક જવાબ આપ્યો. હું મારા હૃદયના ઊંડાણથી તેમની પ્રશંસા કરું છું!
આગામી સમયમાં અમે બિહારના વિકાસ, તેની માળખાકીય સુવિધાઓ અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અહીંની યુવા શક્તિને, અહીંની નારી શક્તિને સમૃદ્ધ જીવન માટે ભરપૂર અવસર મળે તે અમે સુનિશ્ચિત કરીશું.
આ પણ વાંચો | મૈથિલી ઠાકુર સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની, જાણો તેના વિશે A ટુ Z માહિતી
બિહારની જનતાએ વોટ બેંકની રાજનીતિ કરનારને જડબાતોડ જવાબ આપ્યો : અમિત શાહ
આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બિહારના લોકોનો દરેક મત ઘૂસણખોરો અને તેમની સુરક્ષા અને સંસાધનો સાથે રમતા ઘૂસણખોરો અને તેમના હિતકર્તાઓ વિરુદ્ધ મોદી સરકારની નીતિમાં વિશ્વાસનું પ્રતીક છે. વોટ બેંક માટે ઘૂસણખોરોની રક્ષા કરનારાઓને જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. બિહારની જનતાએ આખા દેશનો મિજાજ બતાવી દીધો છે કે મતદાર યાદીનું શુદ્ધિકરણ ફરજિયાત છે અને તેની સામે રાજનીતિ માટે કોઈ સ્થાન નથી. આ જ કારણ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે બિહારમાં છેલ્લા સ્થાને આવી ગઈ છે.





